પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યુનિયન પછીથી આખા દક્ષિણ આફ્રિકામાં બંને ભાષા – ટાલ અથવા ડચ અને અંગ્રેજી – એકસરખી પદવી ભોગવે છે, - તે એટલે સુધી કે ત્યાંનાં સરકારી ગેઝેટ બંને ભાષામાં પ્રગટ થવાં જોઈએ અને ધારાસભાનો કારભાર બંને ભાષામાં છપાવો જોઈએ. બોઅર લોકો સાદા, ભોળા અને ધર્મચુસ્ત છે, તેઓ વિશાળ ખેતરોમાં વસે છે. આપણને ત્યાંનાં ખેતરોના વિસ્તારનો ખ્યાલ ન આવી શકે. આપણા ખેડૂતનાં ખેતરો એટલે બે-ત્રણ વીઘાં જમીન. એથી પણ અોછી હોય. ત્યાંનાં ખેતરો એટલે સેંકડો અથવા હજારો વીઘાં જમીન એક એક માણસના તાબામાં હોય. એ બધી જમીનને તુરત ખેડવાનો લોભ પણ આ ખેડૂતો રાખતા નથી અને કોઈ દલીલ કરે તો કહે છે કે "છો પડી. જેમાં અમે વાવેતર નહીં કરીએ તેમાં અમારી પ્રજા કરશે."

દરેક બોઅર લડવામાં પૂરેપૂરો કુશળ હોય છે. અને માંહોમાંહે ભલે વઢેઝઘડે પણ તેઓને પોતાની સ્વતંત્રતા એટલી બધી પ્રિય હોય છે કે જ્યારે તેની પર હુમલો થાય ત્યારે બધા બોઅર તૈયાર થઈ જાય છે અને એક શરીરની માફક ઝૂઝે છે. તેઓને ભારે કવાયત વગેરેની જરૂર હોતી નથી કેમ કે લડવું એ આખી કોમનો સ્વભાવ કે ગુણ છે. જનરલ સ્મટ્સ, જનરલ ડીવેટ, જનરલ હઝાઁગ ત્રણે મોટા વકીલ અને મોટા ખેડૂત છે, અને ત્રણે તેવા જ મોટા લડવૈયા. જનરલ બોથાની પાસે નવ હજાર એકરનું ખેતર હતું. ખેતીની બધી આંટીઘૂંટીઓ એ જાણતા. જ્યારે તે સંધિને અર્થે યુરોપ ગયેલા તે વખતે એને વિશે એમ કહેવાયેલું કે ઘેટાંની પરીક્ષામાં એના જેવો કુશળ યુરોપમાં પણ કોઈ ભાગ્યે જ હશે. એ જનરલ બોથાએ મરહૂમ પ્રેસિડન્ટ ક્રૂગરની જગ્યા લીધેલી. તેનું અંગ્રેજી જ્ઞાન સરસ હતું છતાં જ્યારે તે ઇંગ્લેંડમાં બાદશાહને અને પ્રધાનમંડળને મળ્યા ત્યારે તેણે હંમેશાં પોતાની જ માતૃભાષા મારફત વાતચીત કરવાનું પસંદ કર્યું. કોણ કહી શકે કે એ યથાર્થ ન હતું ? અંગ્રેજી ભાષાનું જ્ઞાન બતાવવાની ખાતર ભૂલ કરવાનું જોખમ શા સારુ ખેડે ? પોતાની વિચારશ્રેણીમાં યોગ્ય શબ્દ ગોતવા જતાં ભંગ પાડવાનું સાહસ શા સારુ કરે ? પ્રધાનમંડળ કેવળ અજાણપણે અંગ્રેજી ભાષાની કંઈક