પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને અમારા નિશ્ચયથી થતો આઘાત પહોંચવાની વાત વિચારવાનું સૂચવ્યું. હું તો એ જાણતો જ હતો. અાગેવાનોની મસલત થઈ ને છેવટે નિર્ણય થયો કે, જે કમિશનમાં વધારો થાય નહીં તો ગમે તે જોખમે પણ બહિષ્કાર તો કાયમ રહેવો જ જેઈએ. તેથી ગોખલેને લગભગ સો પાઉંડનું ખર્ચ કરીને લાંબો તાર કર્યો. તેમાં એન્ડ્રૂઝ પણ સંમત થયા. આ તારની મતલબ આ હતી :

“તમારું દુ:ખ સમજાય છે. ગમે તે જતું કરીને પણ તમારી સલાહને માન આપવાની મારી ઈચ્છા રહે જ. લોર્ડ હાર્ડિંગે મદદ કરી છે એ અમૂલ્ય છે. તેની મદદ છેવટ લગી મળતી રહે એ પણ હું ઈચ્છું છું. પણ અમારી સ્થિતિ તમે સમજો એમ હું માગું છું, આમાં હજારો માણસોની પ્રતિજ્ઞાનો પ્રશ્ન આવ્યો છે. પ્રતિજ્ઞા શુદ્ધ છે. આખી લડતની રચના પ્રતિજ્ઞાઓ ઉપર બંધાઈ છે. જો પ્રતિજ્ઞાઓનું બંધન ન હોત તો અમારામાંના ઘણા આજે પડી ગયા હોત. હજારોની પ્રતિજ્ઞા પર એક વાર પાણી ફરે તો પછી નીતિબંધન જેવી વસ્તુ ન રહે. પ્રતિજ્ઞા લેતી વેળા લોકોએ સંપૂર્ણ વિચાર કરેલો. તેમાં કશી અનીતિ તો છે જ નહીં. બહિષ્કારની પ્રતિજ્ઞા લેવાનો કોમને અધિકાર તો છે જ. આવી પ્રતિજ્ઞા કોઈને પણ સારુ ન તૂટે ને ગમે તે જોખમે પાળવી જોઈએ, એમ તમે પણ સલાહ આપો એમ ઈચ્છું છું. અા તાર લૉર્ડ હાર્ડિંગને બતાવશો. તમારી સ્થિતિ કફોડી ન થાઓ એમ ઈચ્છું છું. અમે લડત ઈશ્વરને સાક્ષી રાખી તેની સહાય ઉપર આધાર રાખી શરૂ કરી છે. વડીલોની, મોટા માણસોની મદદ અમે યાચીએ છીએ, ઈચ્છીએ છીએ, તે મળે ત્યારે રાજી થઈએ છીએ, પણ તે મળો વા ન મળો, પ્રતિજ્ઞાનું બંધન ન જ તૂટવું જોઈએ, એવો મારો નમ્ર અભિપ્રાય છે. એ પાલનમાં તમારો ટેકો ને આશીર્વાદ ચાહું છું.”

આ તાર ગોખલેને પહોંચ્યો. તેની અસર તેમની તબિયત ઉપર થઈ પણ તેમની મદદ ઉપર ન થઈ, અથવા થઈ તે એવી કે મદદનું જોર હજુ પણ વધ્યું. લૉર્ડ હાર્ડિંગને તેમણે તાર મોકલ્યો પણ અમારો ત્યાગ ન કર્યો. ઊલટો અમારી દૃષ્ટિનો બચાવ કર્યો. લૉર્ડ હાર્ડિંગ પણ કાયમ રહ્યા.