પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું એન્ડ્રૂઝને સાથે રાખી પ્રિટોરિયા ગયો. આ જ સમયે યુનિયન રેલવેમાં ગોરા કામદારોની મોટી હડતાળ થઈ. તે હડતાળથી સરકારની સ્થિતિ નાજુક બની. મારી ઉપર હિંદીઓની કૂચ શરૂ કરવાનાં કહેણ આવ્યાં. મેં તો જાહેર કર્યું કે મારાથી રેલવે હડતાળિયાઓને એવી રીતે મદદ ન થઈ શકે. અમારો હેતુ સરકારની કનડગત કરવાનો ન હતો. અમારી લડત જુદી ને જુદા પ્રકારની હતી. અમારે કૂચ કરવી હશે તોપણ અમે બીજે સમયે જયારે રેલવેની ગરબડ શમી જશે ત્યારે કરીશું. આ નિશ્ચયની અસર ગંભીર થઈ. આના તાર રૂટરે વિલાયત મોકલ્યા. લૉર્ડ ઍમ્પ્ટહીલે ધન્યવાદનો તાર વિલાયતથી મોકલ્યો. દક્ષિણ આફ્રિકામાંના અંગ્રેજ મિત્રોએ પણ ધન્યવાદ આપ્યા. જનરલ સ્મટ્સના મંત્રીએ વિનોદમાં કહ્યું : 'મને તો તારા લોકો જરાયે નથી ગમતા. હું તેને મુદ્દલ મદદ કરવા નથી ઈચ્છતો. પણ તેને અમે શું કરીએ ? તમે લોકો અમારી કફોડી સ્થિતિમાં અમને મદદ કરો. તમને કેમ મારી શકાય ? હું તો ઘણી વાર ઇચ્છું છું કે તમે પણ આ અંગ્રેજી હડતાળિયાની જેમ હુલ્લડ કરો તો તમને તુરત સીધા કરી મૂકીએ. તમે તો દુશ્મનને પણ દૂભવવા નથી ઇચ્છતા. તમે પોતે જ દુ:ખ સહન કરી જીતવા ઈચ્છો છો, વિવેકમર્યાદા છોડતા નથી – ત્યાં અમે લાચાર બની જઈએ છીએ.'

આવી જ જાતના ઉદ્ગારો જનરલ સ્મટ્સે કાઢેલા.

વાંચનારે જાણવું જોઈએ કે સત્યાગ્રહીના વિવેકનો ને વિનયનો આ પહેલો દાખલો ન હતો. જ્યારે વાયવ્ય કોણમાં હડતાળ પડી ત્યારે કેટલીક શેલડી જે કપાઈ ચૂકી હતી તે ઠેકાણે ન પડે તો માલિકોને ઘણું નુકસાન પહોંચે. તેથી ૧,પ૦૦ માણસો તેટલું કામ પૂરું કરવાને ખાતર પાછા કામે ચડચા ને પૂરું થયે જ પોતાના સાથીઓ સાથે જોડાયા. વળી ડરબન મ્યુનિસિપાલિટીના ગિરમીટિયાએ હડતાળ કરી તેમાં પણ જેઓ ભંગીનું ને ઇસ્પિતાલનું કામ કરતા હતા તેને પાછા મોકલ્યા ને તેઓ ખુશીથી પાછા ગયા. ભંગીની અને ઈસ્પિતાલના કામદારોની સેવા ન મળે તો રોગ ફેલાય ને માંદાઓની સારવાર અટકે. આવું પરિણામ સત્યાગ્રહી ન ઇચ્છે. તેથી આવા નોકરોને