લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સંભવ થોડો જ હોય. લાઇબલ માંડવા જેવી હકીકતો જાહેર કરવામાં કોમને મહાજંજાળમાં પડવું જોઈએ, અને પરિણામ ફરિયાદ સિદ્ધ કરવાનો સંતોષ મળે એટલું જ હોય. લાઇબલવાળી વસ્તુ સિદ્ધ કરવાની મુશ્કેલીઓ હું વકીલ તરીકે જાણતો હતો. પણ સહુથી વધારે વજનદાર દલીલ તો મારી પાસે એ હતી કે, સત્યાગ્રહીને દુ:ખ સહન કરવાનું હતું. સત્યાગ્રહ શરૂ કરતા પહેલાં સત્યાગ્રહી જાણતા હતા કે મરણપર્યત દુ:ખ સહન કરવાં પડે ને તેમ કરવા તેઓ તૈયાર પણ હતા. તો હવે દુ:ખો પડયાં છે એ સાબિત કરવામાં કંઈ વિશેષતા ન હતી. વેર લેવાની વૃત્તિ તો સત્યાગ્રહીમાં હોવી જ ન જોઈએ. એટલે જ્યાં અસામાન્ય મુસીબતો પોતાનાં દુ:ખ સાબિત કરવામાં આવી પડી ત્યાં તેણે શાંત રહેવું એ જ ઠીક રસ્તો ગણાય. સત્યાગ્રહીને તો મૂળ વસ્તુને જ સારુ લડવાનું હોય. મૂળ વસ્તુ તો પેલા કાયદા હતા. તે રદ્દ થવાનો અથવા તેમાં ઘટતા ફેરફાર થવાનો જ્યાં પૂરો સંભવ હોય ત્યાં તે બીજી જંજાળમાં ન પડે. વળી સત્યાગ્રહીનું મૌન તેમની કાયદા સામેની લડતમાં સમાધાનીને સમયે તો મદદગાર જ થાય. આવી દલીલોથી વિરોધી પક્ષના મોટા ભાગને હું સમજાવી શકયો. દુ:ખોની ફરિયાદો કાયદેસર સાબિત કરવાની વાત પડતી મેલવાનો નિશ્ચય થયો.


રપ. પત્રોની આપલે

પ્રાથમિક સમાધાનીને સારુ જનરલ સ્મટ્સ અને મારી વચ્ચે પત્રવહેવાર ચાલ્યો. મારા કાગળની મતલબ આ હતી :

'કમિશનમાં આપના જણાવ્યા પ્રમાણે અમારી પ્રતિજ્ઞાને લીધે અમારાથી મદદ નહીં દઈ શકાય. આ પ્રતિજ્ઞા આપ સમજી શકો છો ને તેની કદર પણ કરો છો. અાપ કોમની સાથે મસલત કરવાનું તત્ત્વ કબૂલ કરો છો તેથી પુરાવો આપ્યા સિવાય બીજી રીતે કમિશનને મદદ દેવા અને છેવટે તેના કામમાં વચ્ચે તો ન જ પડવું એવી સલાહ હું મારા દેશભાઈઓને આપી શકું છું. વળી કમિશન ચાલુ