પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે બાબત કરવાપણું નહીં રહે. સત્યાગ્રહી કેદીઓને છોડવા બાબત તો સરકારે તમારો કાગળ મળ્યો તે પહેલાં જ હુકમ મોકલી દીધો હતો. કોમી દુ:ખોની નોંધ તમે આપી છે તે વિશે કમિશનનો રિપોર્ટ મળતાં સુધી સરકાર પોતાનાં પગલાં મુલતવી રાખશે.'

આ બંને કાગળોની આપલે થઈ તેના પહેલાં અમે બંને તો જનરલ સ્મટ્સને ઘણી વાર મળી ચૂકયા હતા. પણ દરમિયાન સર બેન્જામિન રોબર્ટસન પણ પ્રિટોરિયા પહોંચી ગયા હતા. સર બેન્જામિન જેકે લોકપ્રિય ગણાતા હતા, ગોખલેનો ભલામણપત્ર પણ લાવ્યા હતા, છતાં મેં જોયું કે, તેઓ સામાન્ય અંગ્રેજ અમલદારની નબળાઈથી છેક મુક્ત ન હતા. તેમણે આવતાંવેંત જ કોમમાં તડાં પાડવાનું ને સત્યાગ્રહીઓને ડરાવવાનું શરૂ કર્યું, પ્રિટોરિયામાં મારી પહલી મુલાકાતમાં મારા ઉપર તેમની સારી છાપ ન પડી. ડરાવવા વિશે મારા ઉપર તારો આવેલા તેની મેં તેમને વાત પણ કરી દીધી. મારે તો બધાની સાથે એક જ રીતે એટલે સ્પષ્ટતાથી ને ચોખ્ખાઈથી જ કામ લેવાનું હતું એટલે અમે મિત્ર થયા. પણ મેં અનેક વાર અનુભવ્યું છે કે, ડરનારને તો અમલદાર ડરાવે જ છે અને સીધા તેમ જ ન ડરનારની સાથે તેઓ સીધા રહે છે.

આ પ્રમાણે પ્રાથમિક સમાધાની થઈ અને સત્યાગ્રહ છેલ્લી વારને સારુ મુલતવી રહ્યો. ઘણા અંગ્રેજ મિત્રો રાજી થયા, અને તેમણે છેવટની સમાધાનીમાં મદદ દેવાનો મને ભરોસો પણ આપ્યો. કોમની પાસે આ સમાધાની કબૂલ રખાવવાનું કામ સહેજ મુશ્કેલ હતું. ઉત્પન્ન થયેલો ઉત્સાહ ભાંગી પડે એ કોઈને ન ગમે. વળી જનરલ સ્મટ્સનો વિશ્વાસ તો કોઈ રાખે જ શેનો ? કેટલાંકે ૧૯૦૮ની સમાધાનીનું સમરણ કરાવ્યું અને કહ્યું : 'એક વખત જનરલ સ્મટ્સે કોમને છેતરી. અનેક વખત તમારી ઉપર નવી વસ્તુઓ દાખલ કરવાનાં તહોમત મૂક્યાં, કોમની ઉપર ભારે સંકટો ગુજાર્યા, તોયે તમે નથી સમજ્યા એ કેવી દુ:ખની વાત છે ? વળી પાછો એ માણસ તમને દગો દેશે અને વળી પાછી તમે સત્યાગ્રહની વાત કરશો. એ વખતે તમારો વિશ્વાસ કોણ કરશે ? માણસો એમ વારે વારે જેલમાં જાય અને વારે વારે ખત્તા ખાય એ કેમ બની શકે ? જનરલ સ્મટ્સ