પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રીજા ભાગથી જેઓને દક્ષિણ આફ્રિકામાં રહેવાનાં પ્રમાણપત્ર મળતાં હતાં તે પ્રમાણપત્રની કિંમત આંકવામાં આવે છે. એટલે કે એ પ્રમાણપત્ર જેની પાસે હોય તેનો દક્ષિણ આફ્રિકામાં રહેવાનો હક એ પ્રમાણપત્રથી કેટલે દરજજે સિદ્ધ થાય છે એ બતાવવામાં આવે છે. આ બિલ ઉપર યુનિયન પાર્લમેન્ટમાં ખૂબ અને મીઠી ચર્ચા થઈ. બીજી વસ્તુઓ જેને સારુ કાયદાની જરૂર ન હતી તે વસ્તુઓની ચોખવટ જનરલ સ્મટ્સ અને મારી વચ્ચે થયેલાં પત્રવ્યવહારથી થઈ. તેમાં કેપ કૉલોનીની અંદર ભણેલા હિંદીઓને દાખલ થવાના હકની રક્ષા વિશેનો, જેઓને દક્ષિણ આફ્રિકામાં દાખલ થવાની ખાસ રજા મળે તેઓ વિશેનો, જે ભણેલા હિંદી ૧૯૧૪ પહેલાં દાખલ થઈ ચૂકયા હોય તેઓ વિશેનો અને એક કરતાં વધારે સ્ત્રીને પરણેલા હોય તેઓને પોતાની બીજી સ્ત્રી મહેરબાની દાખલ લાવવા દેવા વિશેનો, ખુલાસો થયેલો છે અને જનરલ સ્મટ્સના કાગળમાં એક નીચેની વાત પણ છે. “ચાલુ કાયદાઓને વિશે યુનિયન સરકારે હમેશાં ઇચ્છયું છે અને હાલ પણ ઇચ્છે છે કે એ કાયદાનો અમલ ન્યાયપુર:સર અને ભોગવાતા હકોને જાળવીને જ કરવામાં આવશે.” આ કાગળ ૩૦મી જૂને (૧૯૧૪) લખાયેલો હતો, અને તે જ તારીખે મેં જનરલ સ્મટ્સને કાગળ લખ્યો તેની મતલબ આ પ્રમાણે હતી :

'આપનો આજની તારીખનો કાગળ મને મળ્યો છે. જનરલ સ્મટ્સે મને ધીરજ અને વિનયપૂર્વક સાંભળ્યો તેને સારુ હું આભારી છું. હિંદીને રાહત દેનારો કાયદો અને આ આપણી વચ્ચેનો પત્રવ્યવહાર સત્યાગ્રહની લડતનો અંત લાવે છે. આ લડત ૧૯૦૬ના સપ્ટેમ્બરમાં શરૂ થઈ. એથી હિંદી કોમને ઘણું દુ:ખ અને પૈસાની નુકસાની સહન કરવાં પડયાં છે અને સરકારને પણ ચિંતામાં પડવું પડયું છે. પ્રધાન જાણે છે કે મારા કેટલાક ભાઈઓની માગણી ઘણી વધારે હતી. જુદા જુદા પ્રાંતમાં વેપારના પરવાનાના કાયદા જેવા કે, ટ્રાન્સવાલનો ગોલ્ડ લૉ, ટ્રાન્સવાલ ટાઉનશિપ્સ એક્ટ તથા સને ૧૮૮પનો ટ્રાન્સવાલનો નં. ૩નો કાયદો – તેમાં એવા કશા ફેરફાર થયા નથી, જેને લીધે રહેઠાણ સંબંધી સંપૂર્ણ હક મળે, વેપારની