પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહી ગયા છે. જેઓ રહી ગયા છે તેઓ હજી પણ ઝૂઝી રહ્યા છે અને તેઓ સમય આવ્યે, પોતાનામાં સત્યાગ્રહ હશે તો, કોમની રક્ષા કરી લેશે એને વિશે મને શંકા જ નથી.

છેવટમાં, આ પ્રકરણો વાંચનાર તો સમજી ગયેલ હશે જ કે, જો આ જંગી લડત ન ચાલત અને ઘણા હિંદીઓએ જે દુ:ખ સહન કર્યા તે ન કર્યા હોત, તો આજે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનો પગ જ ન રહ્યો હોત; એટલું જ નહીં પણ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના વિજયથી વસાહતીઓ ઓછા અથવા વત્તા પ્રમાણમાં બચી ગયા. બીજા જે ન બચી શકે તો દોષ સત્યાગ્રહનો નથી, પણ તે તે વસાહતોમાં સત્યાગ્રહનો અભાવ છે અને હિંદુસ્તાનમાં તેઓની રક્ષા કરવાની અશક્તિ છે એમ સિદ્ધ થશે. સત્યાગ્રહ એ અમૂલ્ય શસ્ત્ર છે, તેમાં નિરાશાને કે હારને અવકાશ જ નથી, એવું જો થોડેઘણે અંશે પણ આ ઇતિહાસમાં સિદ્ધ થઈ શકયું હોય તો હું મને કૃતાર્થ થયો સમજીશ.