પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એના કરતાં હું ગમે તેવી સુલેહ પસંદ કરું છું. લડાઈને તમે જલદીથી સંકેલજો."

અા બધા દુઃખનો અવાજ જ્યારે ઇંગ્લેંડમાં પહોંચ્યો ત્યારે અંગ્રેજી પ્રજાનું મન પણ દુખિત થયું. બોઅરની બહાદુરીથી એ પ્રજા આશ્ચર્યચકિત થઈ હતી. એવડી નાનકડી કોમે દુનિયાને ઘેરનાર સલ્તનતને હંફાવી એ અંગ્રેજ પ્રજાના મનને ખૂંચ્યા જ કરતું હતું, પણ જ્યારે આ વાડાઓની અંદર ગોંધાઈ રહેલી ઓરતોના દુઃખનો નાદ તે ઓરતોની મારફતે નહીં, તેમના મરદોની મારફતે પણ નહીં – તે તો રણમાં જ ઝૂઝી રહ્યા હતા – પણ છૂટાંછવાયાં ઉદારચરિત અંગ્રેજ સ્ત્રીપુરુષો જે દક્ષિણ આફ્રિકામાં હતાં તેઓની મારફતે પહોંચ્યો ત્યારે અંગ્રેજ પ્રજા વિમાસવા માંડી. મરહૂમ સર હેનરી કેમ્પબેલ બેનરમેને અંગ્રેજ પ્રજાનું હૃદય ઓળખ અને તેણે લડાઈની સામે ગર્જના કરી. મરહૂમ સ્ટેડે જાહેર રીતે ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરી અને બીજાઓને તેમ કરવા પ્રેર્યા કે એ લડાઈમાં ઈશ્વર અંગ્રેજને હરાવે. આ દશ્ય ચમત્કારિક હતું, ખરેખરું દુઃખ ખરેખરી રીતે વેઠાયેલું પથ્થર જેવા હૃદયને પણ પિગળાવી નાખે છે એ એવા દુઃખનો એટલે તપશ્ચર્યાનો મહિમા છે, અને તેમાં જ સત્યાગ્રહની ચાવી છે.

પરિણામ એ આવ્યું કે ફીનિખનની સુલેહ થઈ અને છેવટે દક્ષિણ આફ્રિકાનાં ચારે સંસ્થાનો એક કારભાર નીચે આવ્યાં. જોકે આ સુલેહની વાત હરેક અખબાર વાંચનાર હિંદીની જાણમાં છે, છતાં એકબે એવી હકીકત છે કે જેનો ખ્યાલ સરખો પણ ઘણાને હોવાનો સંભવ નથી. ફીનિખાનની સુલેહ થવાની સાથે જ દક્ષિણ આફ્રિકાનાં ચારે સંસ્થાનો જોડાઈ ગયાં એમ ન હતું, પણ દરેકને પોતાની ધારાસભા હતી. તેનું કારભારી મંડળ એ ધારાસભાને પૂરેપૂરી રીતે જવાબદાર ન હતું.[૧] આવો સંકુચિત હક જનરલ બોથાને કે જનરલ સ્મટ્સને ન જ સંતોષે, છતાં લૉર્ડ મિલ્નરે વર વિનાની જાન ચલાવવાનું યોગ્ય ધાર્યું. જનરલ બોથા ધારાસભામાંથી અલગ રહ્યા. તેણે અસહકાર

  1. ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટની પદ્ધતિ "ક્રાઉન કૉલોની'ના ધોરણની હતી.