પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પરિશિષ્ટ ૨

[આ પુસ્તકનાં પા. ર૮૬-૮૭ના સંદર્ભમાં गांधीजीनी साधना માં (આવૃત્તિ ર, પા. ૨૦૪-૭) બહેનોને જેલ મોકલવાના પ્રસંગ વિશે શ્રી રાવજીભાઈ નીચે પ્રમાણે લખે છે : ]

વળી આ છેલ્લી લડતમાં બે પ્રચંડ શક્તિનો ઉમેરો થયો. આજ સુધી તો કોઈ સ્ત્રીની ઈચ્છા હોય છતાં પણ લડતમાં સામેલ થવાની મનાઈ કરવામાં આવતી. પણ આ લડતમાં હિંદી સ્ત્રીઓનાં સ્ત્રીત્વ ઉપર થયેલા હુમલા સામે થવાનું હતું. તેમાં તો હિંદી સ્ત્રીઓનું સ્વમાન સાચવવાનો પ્રશ્ન હતો. તેથી જ સ્ત્રીઓએ પણ દાખલ થવું જ જોઈએ એવો નિર્ણય થયો. તેમ જ ગિરમીટિયા મજૂર, જેઓને આજ સુધી લડતમાં સામેલ થવાને સલાહ કે પ્રેરણા આપવામાં નહોતી આવતી પણ ત્રણ પાઉંડના કરની લડતમાં તેમણે પણ ભાગ લેવો એ તેમની ફરજ થઈ પડી. એટલે હજારો ગિરમીટિયા મજૂરો પણ આ લડતમાં ભાગ લઈ શકે એમ થયું. આ બે બળ અા લડતમાં ઉમેરાયાં.

છતાં તે બળને સરજાવી સંગ્રહ કરવાની પણ શક્તિ હોવી જોઈએ. ગાંધીજીને ખાતરી તો હતી જ કે, સંખ્યાબંધ હિંદી બહેનો જેલ જવા તૈયાર થશે. પણ આપ મૂઆ વિના સ્વર્ગે ગયું કોઈ સાંભળ્યું છે ? ગાંધીજીને લાગ્યું કે, કસ્તૂરબા આ લડતમાં તૈયાર થાય અને જેલમાં જાય તો બધી બાજી સુધરી જાય. પણ બાને તૈયાર શી રીતે કરવાં ? તેમને હુકમ કરીને બળાત્કારથી તૈયાર કરવામાં શો માલ ? પાછળથી એવા બળ પર વિશ્વાસ શી રીતે રાખી શકાય ? કસ્તૂરબા એક વખત એક વસ્તુ સમજે તો પછી તેને વળગી જ રહે એવી તેમનામાં શક્તિ તો છે જ. પણ તે વસ્તુ વિશે સમજ પાડી દૃઢતા શી રીતે ઉત્પન્ન કરવી, એ પણ પ્રશ્ન હતો. ગાંધીજી એનો જ વિચાર કર્યા કરતા અને પ્રસંગ મળ્યે એ કાર્ય તેમણે ફતેહમંદીથી પાર પાડયું.

એક દિવસ હંમેશના નિયમ મુજબ પાયખાનું સાફ કરી, નાહીધોઈ હું આશરે સાડા નવ વાગ્યે રસોડામાં ગયો. ગાંધીજી પણ તે જ સમયે નિશાળમાંથી આવ્યા. કસ્તૂરબા તો ત્યાં હતાં જ. તેમણે ભાખરીનો લોટ બાંધી મૂકયો હતો. તેમણે ભાખરી વણવા માંડી અને મેં શેકવા માંડી.