પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું અને સીતાના કુળની તું. હું રામ થઈ શકું અને તું સીતા થઈ શકે. સીતા રામની પાછળ ધર્મની ખાતર ન ગઈ હોત અને મહેલમાં બેસી રહી હોત તો તેને કોઈ સીતામાતા ન કહેત. તારામતી હરિશ્ચંદ્રના સત્યવ્રત ખાતર વેચાઈ ન હોત, તો હરિશ્ચંદ્રના સત્યવ્રતમાં ખામી રહેત. તેને કોઈ સત્યવાદી ન કહેત અને તારામતીને સતી પણ કોઈ ન કહેત. દમયંતી નળની પાછળ જંગલમાં દુ:ખ સહેવામાં સામેલ ન થઈ હોત તો તેને પણ કોઈ સતી ન કહેત. તેમ હવે તારે તારી આબરૂ સાચવવી હોય, મારી પરણેતર ગણાવું હોય અને રખાત ગણાવાના કલંકમાંથી મુક્ત થવું હોય તો સરકાર સામે લડ અને જેલમાં જવા તૈયાર થા."

કસ્તૂરબા તો ચૂપ રહ્યાં. હું તો જોઈ જ રહ્યો કે બા શો જવાબ આપે છે. આ બધું સાંભળવામાં મને તો મજા પડતી હતી. એટલામાં કસ્તૂરબા બોલી ઊઠયાં : “ત્યારે તમારે મને જેલમાં મોકલવી છે, ખરું ને ? હવે એટલું જ બાકી છે. ભલે; પણ જેલનો ખોરાક મને માફક આવશે ?"

"હું તને કહેતો નથી કે તું જેલમાં જા, તને તારી આબરૂ ખાતર જેલમાં જવાનો ઉમંગ હોય તો જા. અને જેલનો ખોરાક માફક ન આવે તો ફળાહાર કરજે."

"જેલમાં સરકાર ફળાહાર આપશે ?"

ગાંધીજી ફળાહાર મેળવવાનો ઉપાય બતાવતા બોલ્યા : "ફળાહાર ન આપે ત્યાં સુધી ઉપવાસ કરજે."

કસ્તૂરબાએ હસીને કહ્યું: ઠીક, એ તો તમે મને મરવાનો રસ્તો બતાવ્યો, અને મને લાગે છે કે જેલમાં જઈશ તો જરૂર હું મરી જઈશ.

ગાંધીજી ડોકું હલાવી ખડખડ હસી પડયા અને બોલ્યા:

"હા, હા, હું પણ એ જ ઈચ્છું છું. તું જેલમાં મરી જઈશ તો જગદંબાની જેમ હું તને પૂજીશ.”'

"ઠીક, ત્યારે તો હું જેલ જવા તૈયાર છું." કસ્તૂરબાએ દૃઢતાથી પોતાનો નિશ્ચય જણાવ્યો.

ગાંધીજી ખૂબ હસ્યા. તેમને ખૂબ આનંદ થયો. કસ્તૂરબા સહેજ કામે બહાર નીકળ્યાં, તે લાગ જોઈ ગાંધીજીએ મને કહ્યું "બાની ખૂબી એ જ છે કે તે મારી ઈચ્છાને મને કે કમને અનુસરે છે."