પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્યો, સરકારની સાથે સંબંધ રાખવાની ચોખ્ખી ના પાડી. લોર્ડ મિલનરે તીખું ભાષણ કર્યું, અને જણાવ્યું કે જનરલ બોથાએ એટલો બધો ભાર પોતાની ઉપર છે એમ માની લેવાની જરૂર નથી, રાજવહીવટ તેના વિના પણ ચાલી શકશે.

બોઅરોની બહાદુરી, તેઓની સ્વતંત્રતા, તેઓનો આપભોગ, એ વિશે વગર સંકોચે મેં લખ્યું છે, છતાં વાંચનારની ઉપર એવી છાપ પાડવાનો મારો ઈરાદો ન હતો કે સંકટને સમયે પણ એઓમાં મતભેદ ન હોઈ શકે અથવા તો કોઈ નબળા ન જ હોય.. બોઅરોમાં પણ સહજે રાજી થઈ જનાર પક્ષ લૉર્ડ મિલ્નર ઊભો કરી શકયા, અને માની લીધું કે એઓની મદદ વડે ધારાસભાને પોતે દીપાવી શકશે. એક નાટકકાર પણ પોતાના નાટકને મુખ્ય પાત્ર વિના શોભાવી નથી શકતો, તો આ આકરા સંસારમાં કારભાર ચલાવનાર માણસ મુખ્ય પાત્રને વીસરી જાય અને સફળ થવાની ઉમેદ રાખે એ ગાંડો ગણાય. એવી જ દશા ખરેખર લૉર્ડ મિલ્નરની થઈ. અને એમ પણ કહેવાતું હતું કે પોતે ધમકી તો આપી, પણ ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટનો વહીવટ જનરલ બોથા વિના ચલાવવો એટલો તો મુશ્કેલ થઈ ગયો કે લૉર્ડ મિલ્નર પોતાના બગીચામાં ચિંતાતુર અને બેબાકળા થયેલા જોવામાં આવતા હતા ! જનરલ બોથાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ફીનિખાનના સુલેહનામાનો અર્થ તેઓ ચોખ્ખો સમજ્યા હતા કે બોઅર લોકોને પોતાની અાંતર-વ્યવસ્થાનો પૂરેપૂરો અધિકાર તુરત મળશે. અને તેમણે કહ્યું કે જો એવું ન હોત તો કદી તે પર પોતે સહી ન કરત. લૉર્ડ કિચનરે તેના જવાબમાં એમ જણાવેલું કે એવી જાતનો કશોયે ભરોસો જનરલ બોથાને તેમણે આપેલો ન હતો. ધીમે ધીમે બોઅર પ્રજા જેમ જેમ વિશ્વાસપાત્ર નીવડે તેમ તેમ તેઓને સ્વતંત્રતા મળતી જશે ! હવે આ બેની વચ્ચે ઈન્સાફ કોણ કરે ? કોઈ પંચની વાત કહે તોપણ જનરલ બોથા શાને કબૂલ થાય ? તે વખતે વડી સરકારે જે ન્યાય કર્યો એ એમને સંપૂર્ણ રીતે શોભાવનારો હતો. એ સરકારે કબૂલ રાખ્યું કે સામેનો પક્ષ – તેમાંયે વળી નબળો પક્ષ – સમાધાનનો જે અર્થ સમજેલો હોય તે અર્થ સબળા પક્ષે કબૂલ રાખવો જ