પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યુનિયનનો કાયદો કઈ રીતે થયો એ પણ જાણવા જેવી વાત છે. ચારે સંસ્થાનોની ધારાસભાએ એકમત થઈને યુનિયનનું બંધારણ ઘડ્યું બંધારણ બ્રિટિશ પાર્લમેન્ટને અક્ષરશ: કબૂલ રાખવું પડ્યું. આમની સભાના એક સભાસદે તેમાં એક વ્યાકરણદોષ હતો તે તરફ ધ્યાન ખેંચી દૂષિત શબ્દ કાઢવાની સૂચના કરી. મરહૂમ શ્રી હેનરી કેમ્પબેલ બેનરમેને તેની સૂચના નામજૂર કરતાં કહ્યું કે રાજવહીવટ શુદ્ધ વ્યાકરણથી નથી ચાલી શકતો; એ બંધારણ બ્રિટિશ કારભારી મંડળ અને દક્ષિણ આફ્રિકાના કારભારીઓ વચ્ચેની મસલતને પરિણામે ઘડાયું છે, તેમાં વ્યાકરણનો દોષ સુધ્ધાં દૂર કરવાનો અખત્યાર બ્રિટિશ પાર્લમેન્ટને સારુ રાખવામાં આવ્યો નથી. તેથી એ બંધારણ જેવું હતું તેવું ને તેવું જ આમ અને ઉમરાવ બંનેની સભાઓએ કબૂલ રાખ્યું.

આ પ્રસંગે એક ત્રીજી વાત પણ નોંધવાલાયક છે. બંધારણમાં કેટલીક કલમો એવી છે કે જે તટસ્થ વાંચનારને અવશ્ય નકામી લાગે. તેથી ખર્ચ પણ ઘણું વધ્યું છે. બંધારણ રચનારાઓના ધ્યાનબહાર પણ એ વાત ન હતી; છતાં તેઓનો ઉદ્દેશ સંપૂર્ણતાએ પહોંચવાનો નહીં પણ આપલે કરીને એકમત થવાનો અને પ્રયત્ન સફળ કરવાનો હતો. તેથી જ હાલ યુનિયનની ચાર રાજધાનીઓ ગણાય છે. કેમ કે પેટા સંસ્થાનોમાંથી કોઈ પોતાની રાજધાનીનું મહત્ત્વ છોડી દેવા તૈયાર ન હતાં. ચારે સંસ્થાનોની સ્થાનિક ધારાસભા પણ કાયમ રાખવામાં આવી છે. ચારે સંસ્થાનોને ગવર્નર જેવો કોઈક હોદ્દેદાર જોઈએ જ, તેથી ચાર હાકેમ કબૂલ રાખવામાં આવ્યા છે. સહુ સમજે છે કે સ્થાનિક ધારાસભાઓ, ચાર રાજધાનીઓ અને ચાર હાકેમો બકરીના ગળાના આંચળની જેમ નિરુપયોગી અને કેવળ આડંબરરૂપ છે. પણ તેથી દક્ષિણ આફ્રિકાના વ્યવહારકુશળ કારભારીઓ ડરે એવા કયાં હતા ? અાડંબર હોવા છતાં અને તેથી વધારે ખર્ચ થાય, પણ ચાર સંસ્થાનો એક થાય એ ઈચ્છવાયોગ્ય હતું. તેથી તેઓએ બહારની દુનિયાની ટીકાની ચિંતા કર્યા સિવાય પોતાને યોગ્ય લાગતું હતું તે કર્યું, અને બ્રિટિશ પાર્લમેન્ટની પાસે એ કબૂલ કરાવ્યું.