આવો દક્ષિણ આફ્રિકાનો અતિશય ટૂંકો ઈતિહાસ વાંચનારની સમજને
સારુ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. તે વિના સત્યાગ્રહની મહાન
લડતનું રહસ્ય ન સમજાવી શકાય એમ મને લાગ્યું. આવા પ્રદેશમાં
હિંદીઓ કેમ આવ્યા અને ત્યાં સત્યાગ્રહકાળની પૂર્વે કઈ રીતે પોતાની
ઉપર પડતી આપત્તિઓની સામે ઝૂઝ્યા એ હવે મૂળ વિષય પર
આવતા પહેલાં આપણે જોવાનું રહે છે.
આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે નાતાલમાં અંગ્રેજો આવી વસ્યા. તેઓએ ઝૂલુઓની પાસેથી કેટલાક હકો લીધા. અનુભવે તેઓ જોઈ શકયા કે નાતાલમાં શેરડી, ચા અને કૉફીનો પાક સુંદર થઈ શકે છે. બહોળા પ્રમાણમાં એ પાક ઉતારવો હોય તો હજારો મજૂરો જોઈએ. પાંચપચીસ અંગ્રેજ કુટુંબો એવી સહાય વિના આવા પાક તૈયાર ન કરી શકે. તેઓએ હબસીઓને કામ કરવાને લલચાવ્યા, ડરાવ્યા, પણ હવે ગુલામીનો કાયદો રહ્યો ન હતો તેથી સફળતાને સારુ જોઈએ એટલું બળ તેઓ હબસીઓ ઉપર અજમાવી ન શકયા. હબસીઓને બહુ મહેનત કરવાની ટેવ નથી. છ મહિનાની સામાન્ય મહેનતથી તેઓ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. તો પછી કોઈ માલિકની સાથે લાંબી મુદતને સારુ કેમ બંધાય ? અને જ્યાં સુધી સ્થાયી મજૂરી ન મળી શકે ત્યાં સુધી અંગ્રેજો પોતાની નેમ પૂરી કરી ન શકે. તેથી એ લોકોએ હિંદી સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો, અને મજૂરને સારુ હિંદુસ્તાનની મદદ માગી. હિંદી સરકારે નાતાલની માગણી કબૂલ રાખી, અને ૧૮૪૦-'પ૦ દરમિયાન પહેલી[૧] આગબોટ હિંદી મજૂરોને લઈને નીકળી.
- ↑ હિંદી મજૂરોની પહેલી આગબોટ ઈ. સ. ૧૮૬૦ના નવેમ્બરની ૧૬મી તારીખે નાતાલ પહોંચી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસમાં આ તારીખ નોંધવાયોગ્ય ગણાય, કેમ કે આ પુસ્તક અને તેની વસ્તુનાં મૂળ એ બનાવમાં રહેલાં હતાં.