પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારી દૃષ્ટિએ હિંદી સરકારે આ માગણી મંજૂર કરવામાં પુખ્ત વિચાર ન કર્યો. અહીંના અંગ્રેજ અમલદાર જાણ્યેઅજાણ્યે નાતાલના પોતાના ભાઈઓની તરફ ઢળ્યા. અલબત્ત, બની શકે એટલી મજૂરોની રક્ષા કરવાની શરતો કરારનામામાં દાખલ કરી. ખાવાપીવાની સામાન્ય સગવડ જળવાઈ. પણ આમ દૂર ગયેલા અભણ મજૂરો જે પોતાની ઉપર કંઈ દુ:ખ પડે તો કેમ મુક્તિ મેળવી શકે તેનો ખ્યાલ પૂરો તો ન જ રહ્યો. તેઓના ધર્મનું શું થશે, તેઓ પોતાની નીતિ કેમ જાળવશે, એનો તો વિચાર પણ ન થયો. અમલદારોએ એ પણ ન વિચાર્યું કે જોકે કાયદામાં ગુલામી ન રહી પણ માલિકોના હૃદયમાંથી બીજાઓને ગુલામ બનાવવાનો લોભ નાબૂદ થયો ન હતો. અમલદારોએ સમજવું જોઈતું હતું પણ ન સમજ્યા, કે મજૂરો દૂર દેશ જઈ મુદતના ગુલામ બનશે. સર વિલિયમ વિલસન હંટર જેણે આ સ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો તેણે એની સરખામણી કરતાં બે શબ્દો અથવા શબ્દસમૂહ વાપર્યા હતા. નાતાલના જ હિંદી મજૂરો વિશે લખતાં એક વેળા તેમણે લખેલું કે તે અર્ધ ગુલામગીરીની સ્થિતિ છે. બીજી વેળા એને પત્રની અંદર લખતાં લગભગ ગુલામગીરીની હદને પહોંચનારી એ સ્થિતિ છે એવું વર્ણન તેમણે આપેલું અને નાતાલના એક કમિશનની પાસે જુબાની આપતાં ત્યાંના મોટામાં મોટા ગોરાએ એટલે મરહૂમ મિ. એસ્કંબે એવું જ કબૂલ કરેલું. આવા તો ઘણા પુરાવાઓ નાતાલના અગ્રેસર ગોરાઓને મુખેથી જ આપી શકાય એમ છે. અને તેમાંના ઘણાખરા હિંદી સરકારને થયેલી એ વિષયની અરજીઓમાં એકઠા થયેલા છે. પણ થનાર હતું તે થયું. અને જે સ્ટીમર આ મજૂરોને લઈ ગઈ તે જ સ્ટીમર સત્યાગ્રહના મહાન વૃક્ષનું બીજ પણ સાથે લઈ ગઈ. મજૂરોને નાતાલના અહીંના હિંદી દલાલોએ કેવા છેતર્યા, કેમ ભોળવાઈને એ લોકો નાતાલ ગયા, નાતાલ પહોંચતાં તેઓની અાંખ કેવી ઊઘડી, અાંખ ઊઘડતાં છતાં તેઓ કેમ નાતાલમાં રહ્યા, કેમ બીજાઓ પણ તેમની પાછળ ગયા, ત્યાં જઈને કેમ તેઓએ બધા ધર્મનાં અને નીતિનાં બંધનો તોડી નાખ્યાં, અથવા તો કેમ એ બંધનો તૂટી ગયાં, કેમ વિવાહિત અને વેશ્યા વચ્ચેનો ભેદ સુધ્ધાં ન રહ્યો