પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જતા હતા. પાંચ વરસ વીત્યા બાદ મજૂરી કરવા તેઓ બંધાયેલા ન હતા, પોતાને સ્વતંત્ર મજૂરી અથવા વેપાર કરવો હોય અને નાતાલમાં સ્થાયી થવું હોય તો તેને તેમ કરવાનો હક હતો. આ હકનો ઉપયોગ કેટલાકોએ કર્યો અને કેટલાક હિંદુસ્તાન પાછા ફર્યા. જેઓ નાતાલમાં રહી ગયા તેઓ “ફી ઈન્ડિયન્સ'ને નામે ઓળખાતા. તેમને આપણે ગિરમીટમુક્ત અથવા ટૂંકામાં મુક્ત હિંદી કહીશું. અા ભેદ સમજી લેવાની જરૂર છે. કેમ કે જે હક કેવળ સ્વતંત્ર હિંદી – જેનું વર્ણન ઉપર આવી ગયું તે – ભોગવતા હતા તે બધા આ મુક્ત થયેલા હિંદીઓને ન હતા. જેમ કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને ઈચ્છે તો તેઓએ પરવાનો લેવો જ જોઈએ. તેઓ વિવાહ કરે અને વિવાહને કાયદેસર ગણાવવા ઈચ્છે તો તે વિવાહ તેણે ગિરમીટિયાઓનું રક્ષણ કરવાને નિમાયેલા અમલદારના દફતરમાં નોંધાવવો જોઈએ, ઈ૦ આ સિવાય બીજા પણ આકરા અંકુશ તેઓની ઉપર હતા. ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં ૧૮૮૦ – '૯૦ની સાલમાં બોઅર લોકોનાં પ્રજાસત્તાક રાજ્ય હતાં. પ્રજાસત્તાક રાજયનો અર્થ પણ અહીં સ્પષ્ટ કરી દેવો આવશ્યક છે. પ્રજાસત્તાક એટલે ગોરાસત્તાક, તેમાં કંઈ હબસી પ્રજાને લેવાદેવા હોય જ નહીં.. હિંદી વેપારીઓએ જેયું કે માત્ર ગિરમીટિયાઓ અને ગિરમીટમુક્ત હિંદીઓમાં જ પોતે વેપાર કરી શકે એમ કંઈ ન હતું, પણ હબસી લોકોની સાથે પણ તેઓ વેપાર કરી શકે. હબસી લોકોને હિંદી વેપારી તો ભારે સગવડરૂપ થઈ પડ્યા. ગોરા વેપારીથી એ અતિશય ડરે. ગોરા વેપારી તેની સાથે વેપાર કરવા ઈચ્છે, પણ હબસી ઘરાકને મીઠી જીભે બોલાવે એ અાશા ઘરાકથી રખાય જ નહીં. જો પોતાના પૈસાનો પૂરતો અવેજ મળે તો તે ઘણું થયું માને. પણ કેટલાકને એવો કડવો અનુભવ પણ થયેલો જોવામાં આવ્યો છે કે ચાર શિલિંગની વસ્તુ લેવાની હોય, એક પાઉંડ બાંક ઉપર મૂકયો હોય, પાછા તેને સોળ શિલિંગને બદલે ચાર શિલિંગ મળે અથવા કંઈયે ન મળે ! પેલો ગરીબ ઘરાક વધારો પાછો માગે અથવા બાદબાકીની ભૂલ દેખાડે તો અવેજમાં ભૂંડી ગાળ મળે. તેટલેથી જ છૂટે તોયે કંઈક સંતોષ, નહીં તો ગાળની સાથે મુક્કો અથવા લાત પણ