પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય ! આવું કંઈ બધા અંગ્રેજ વેપારીઓ કરે એમ કહેવાનો જરાય આશય નથી. પણ એવા દાખલાઓ ઠીક સંખ્યામાં મળે એમ તો અવશ્ય કહી શકાય. આથી ઊલટું હિંદી વેપારી મીઠી જીભે તો બોલાવે જ; તેની સાથે હસે. હબસી ભોળા અને દુકાનની અંદર જોવાચૂંથવા ઈચ્છનારા હોય, એ બધું હિંદી વેપારી સહન કરે. પરમાર્થદષ્ટિએ નહીં એ ખરું, તેમાં તેની સ્વાર્થદષ્ટિ હોય; લાગ ફાવે તો હિંદી વેપારી હબસી ઘરાકોને છેતરતાં ન ચૂકે. પણ હિંદી વેપારીની હબસીઓમાં પ્રિયતાનું કારણ તેની મીઠાશ. વળી હબસી હિંદી વેપારીથી બીએ તો નહીં જ; ઊલટા એવા દાખલા મોજૂદ છે કે જ્યારે કોઈ હિંદી વેપારીએ હબસી ઘરાકોને છેતરવાનો પ્રયત્ન કર્યો છે અને તે પેલો જાણી ગયો છે ત્યારે તેને હાથે વેપારીએ માર ખાધો છે ! અને ગાળો તો ઘણીયે વાર સાંભળી છે. એટલે હિંદી હબસીના સંબંધમાં બીવાનો પ્રસંગ કેવળ હિંદીને જ રહ્યો. છેવટે પરિણામ એ આવ્યું કે હિંદી વેપારીને હબસીઓની ઘરાકી બહુ લાભદાયક જણાઈ. હબસીઓ તો આખા દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા જ હતા. હિંદી વેપારીઓએ સાંભળ્યું હતું કે ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં બોઅર લોકોની સાથે પણ વેપાર થઈ શકે છે. બોઅર લોકો સાદા, ભોળા અને આડંબર વિનાના હોય છે, તેઓ હિંદીઓના ઘરાક બનતાં લજવાશે નહીં. અાથી કેટલાક હિંદી વેપારીઓએ ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટ તરફ પણ પ્રયાણ કર્યું દુકાનો ખોલી. ત્યાં એ અવસરે આગગાડી વગેરે ન હતાં તેથી નફા બહુ મોટા મળી શકતા હતા. વેપારીઓની કલ્પના સાચી ઠરી અને તેઓને બોઅર તેમ જ હબસીઓની ઘરાકી પુષ્કળ મળવા માંડી. રહ્યું કેપ કૉલોની. ત્યાં પણ કેટલાક હિંદી વેપારી જઈ પહોંચ્યા અને ઠીક કમાણી કરવા લાગ્યા. આમ થોડી થોડી સંખ્યામાં ચારે સંસ્થાનોમાં હિંદી પ્રજા વહેંચાઈ ગઈ અને હાલ સમસ્ત સ્વતંત્ર હિંદીની સંખ્યામાં પણ આ લખતી વેળાએ કંઈક ઘટાડો થયો હશે પણ વધારો તો નહીં જ.