પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાથેના વેપારમાં પણ તેઓ ઠીક ભાગ લેવા લાગ્યા. આ નાના ગોરા વેપારીઓથી સહન ન થતું. વળી આ વેપારીઓને કોઈ અંગ્રેજોએ જ બતાવ્યું કે તેઓને પણ કાયદા પ્રમાણે નાતાલની ધારાસભામાં સભાસદ થવાનો અને સભાસદ ચૂંટવાનો હક છે. કેટલાંક નામ પણ મતદારોમાં નોંધાયાં. આ સ્થિતિ નાતાલના રાજદ્વારી ગોરાઓ સાંખી ન શકચા; કેમ કે જો આમ હિંદીની હાલત નાતાલમાં મજબૂત થાય, તેની પ્રતિષ્ઠા વધે તો તેઓની હરીફાઈમાં ગોરાઓ કેમ ટકી શકે એ તેઓને ચિંતા થઈ પડી. અાથી સ્વતંત્ર હિંદીની બાબતમાં જવાબદાર સરકારનું પહેલું પગલું એ હતું કે એક પણ નવો હિંદી મતદાર ન થઈ શકે એવો કાયદો કરવો. સને ૧૮૯૪માં આ વિશેનું પહેલું બિલ નાતાલની ધારાસભામાં આવ્યું. એ બિલ પ્રમાણે હિંદીને હિંદી તરીકે જ મત આપવાના હકમાંથી બાતલ રાખવાનું ધોરણ હતું. નાતાલમાં રંગભેદ ઉપર હિંદીઓને વિશે ઘડાયેલો આ પહેલો કાયદો હતો. હિંદી પ્રજા સામે થઈ એક રાતની અંદર અરજી તૈયાર થઈ. ચારસો માણસોની સહીઓ લેવાઈ. એ અરજી જતાં ધારાસભા ચમકી. પણ કાયદો તો પાસ થયો. તે વખતે લોર્ડ રિપન સંસ્થાઓના પ્રધાન હતા. તેમની પાસે અરજી ગઈ. તેમાં દસ હજાર સહીઓ હતી. દસ હજાર સહી એટલે નાતાલની લગભગ કુલ સ્વતંત્ર હિંદી વસ્તી. લૉર્ડ રિપને બિલ નામંજૂર રાખ્યું અને જણાવ્યું કે બ્રિટિશ સલ્તનત કાયદામાં રંગભેદને કબૂલ ન કરી શકે. આ જીત કેટલી મહત્ત્વની હતી એ આગળ ચાલતાં વધારે જણાશે. આના જવાબમાં નાતાલની સરકારે નવું બિલ રજૂ કર્યું. તેમાંથી રંગભેદ ગયો, પણ આડકતરી રીતે તેમાંયે હુમલો તો હિંદીઓ ઉપર જ હતો. હિંદી કોમે તેની સામે પણ લડત તો ચલાવી છતાં તે નિષ્ફળ ગઈ. એ કાયદો દ્વિઅર્થી હતો. તેનો અર્થ ચોકકસ કરાવવાને સારુ કોમ છેવટની અદાલત સુધી એટલે પ્રિવી કાઉન્સિલ સુધી લડ શકત; પણ લડવાનું દુરસ્ત ન ધાર્યું ન લડવું યોગ્ય જ હતું એમ હજી સુધી મને લાગે છે. મૂળ વસ્તુ કબૂલ થઈ એ જ અનુગ્રહ હતો. પણ એટલેથી નાતાલના ગોરાઓને અથવા તો નાતાલની સરકારને સંતોષ થાય એમ ન હતું. હિંદીઓની રાજદ્વારી સત્તા જામતી