પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અટકાવવી એ તો એક આવશ્યક પગલું હતું, પણ તેઓની નજર ખરેખરી તો હિંદી વેપાર અને સ્વતંત્ર હિંદીના આગમન ઉપર હતી. ત્રીસ કરોડની વસ્તીવાળું હિંદુસ્તાન જો નાતાલ તરફ ઊલટે તો નાતાલના ગોરાનું શું થાય, એ તો સમુદ્રમાં તણાઈ જાય, એ ધાસ્તીથી તેઓ બેચેન થઈ ગયા હતા. નાતાલમાં ૪ લાખ હબસી, ૪૦ હજાર ગોરા, તે વખતે ૬૦ હજાર ગિરમીટિયા, ૧૦ હજાર ગિરમીટમુક્ત અને ૧૦ હજાર સ્વતંત્ર હિંદી, અામ લગભગ પ્રમાણ હતું. ગોરાઓની ધાસ્તીને સારુ સજજડ કારણ તો ન જ હતું, પણ ડરેલા માણસને દાખલાદલીલથી સમજાવી શકાય જ નહીં. હિંદુસ્તાનની લાચાર સ્થિતિનું ને હિંદુસ્તાનના રીતરિવાજનું તેઓનું અજ્ઞાન, અને તેથી તેઓના મનમાં એક જાતનો આભાસ કે જેવા સાહસિક અને શક્તિમાન તેઓ છે તેવા જ હિંદીઓ હોવા જોઈએ; અને તેથી તેઓએ કેવળ ત્રિરાશી ગણી કાઢી. તેમાં તેઓનો દોષ કેમ કાઢી શકાય ? ગમે તેમ હો, પણ પરિણામ એ આવ્યું કે નાતાલની ધારાસભાએ બીજા બે કાયદા પસાર કર્યા તેમાં પણ મત વિશેની લડતની જીતને પરિણામે રંગભેદને દૂર રાખવો પડ્યો; અને તેથી ગર્ભિત ભાષા વડે કામ લેવું પડ્યું. અને તેને પ્રતાપે સ્થિતિ કંઈક જળવાઈ શકી.. હિંદી કોમ આ વખતે પણ ખૂબ ઝૂઝી છતાં કાયદા તો પસાર થયા જ. એક કાયદાથી હિંદી વેપાર પર સખત અંકુશ મુકાયો અને બીજા વડે હિંદી પ્રવેશ પર કાયદાની રૂએ નિમાયેલા અમલદારની રજા વિના કોઈને પણ વેપારનો પરવાનો ન મળી શકે એ મતલબ પહેલા કાયદાની. વ્યવહારમાં ગમે તે ગોરો જાય ને રજાચિઠ્ઠી મેળવી શકે અને હિંદીને મહામુસીબતે મળે; તેમાં વકીલ વગેરેનું ખરચ તો ખરું જ. એટલે કાચાપોચા તો સહેજે વેપારના પરવાના વિના જ રહે. બીજા કાયદાની મુખ્ય શરત એ કે જે હિંદી કોઈ પણ યુરોપની ભાષામાં દાખલ થવાની અરજી લખી શકે તે જ દાખલ થઈ શકે. એટલે કરોડો હિંદીની સામે તો નાતાલનો દરવાજો તદ્દન બંધ થયો. જાણ્યેઅજાણ્યે મારાથી નાતાલને અન્યાય થઈ જાય તેથી મારે જણાવવું જોઈએ કે જે હિંદી એ કાયદો થતાં પહેલાં નાતાલમાં ઘર કરીને રહેલો હોય તે જો નાતાલ છોડીને હિંદુસ્તાન અથવા