પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાસે ગયા. મરહૂમ પ્રેસિડન્ટે તેમને ઘરમાં તો દાખલ પણ ન કર્યા. ઘરના આંગણામાં તેઓને ઊભા રાખ્યા અને તેઓનું થોડુંઘણું સાંભળ્યા પછી તેઓને કહ્યું: તમે તો ઈસ્માઈલની ઓલાદ છો એટલે તમે ઈસોની ઓલાદની ગુલામી કરવાને જ જન્મેલા છો. અમે ઈસોની ઓલાદ ગણાઈએ તેથી તમને એકસરખા હક તો મળી જ ન શકે. અમે જે આપીએ તેથી તમારે સંતોષ માનવો જોઈએ. આમાં દ્વેષ કે રોષ હતો એમ આપણાથી નહીં કહી શકાય. પ્રેસિડન્ટ ફૂગરની કેળવણી જ એવા પ્રકારની હતી કે બચપણથી જ બાઈબલના જૂના કરારમાં કહેલી વાતો તેને શીખવવામાં આવી અને તેણે તે માની. અને જે માણસ જેવું માનતો હોય તેવું જ નિખાલસ દિલથી કહે તેમાં તેનો દોષ શો કાઢી શકાય ? છતાં આવા નિખાલસપણે રહેલા અજ્ઞાનની પણ બૂરી અસર તો થાય જ. અને પરિણામ એ આવ્યું કે સન ૧૮૮પમાં ઘણો આકરો કાયદો ધારાસભામાં ઉતાવળે પસાર થયો, કેમ જાણે હજારો હિંદી તુરત જ ટ્રાન્સવાલમાં લૂંટ કરવા તાકી રહેલા હોય ! એ કાયદાની સામે બ્રિટિશ એલચીને હિંદી અગ્રેસરોની પ્રેરણાથી પગલાં ભરવાં પડ્યાં. મામલો સંસ્થાનોના પ્રધાન સુધી ગયો. એ કાયદાથી દાખલ થનાર હિંદીની પાસેથી પચીસ પાઉન્ડ લેવાની વાત હતી. અને એક તસુ પણ જમીન તે ન લઈ શકે, મતદાર તો તેનાથી ન જ થઈ શકાય. આ બધું એટલું અજુગતું હતું કે તેનો બચાવ દાખલાદલીલથી તો ટ્રાન્સવાલની સરકાર કરી શકે નહીં. ટ્રાન્સવાલ સરકાર અને વડી સરકાર વચ્ચે સુલેહનામું હતું જે 'લંડન કન્વેન્શન'ને નામે ઓળખાતું હતું. તેમાં બ્રિટિશ રૈયતના હકો જાળવવાની એક કલમ [૧] હતી. એ કલમને આધારે વડી સરકારે આ કાયદાનો વિરોધ કર્યો. ટ્રાન્સવાલની સરકારે એવી દલીલ કરી કે જે કાયદો તેણે કરેલો છે તેમાં વડી સરકારે જ પહેલેથી સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિ આપી હતી. આમ બંને પક્ષ વચ્ચે મતભેદ થવાથી તકરાર પંચની પાસે ગઈ. પંચનો ફેંસલો લૂલો થયો. તેણે બંને પક્ષને રાજી રાખવાનો પ્રયત્ન

  1. એ કલમ 'લંડન કન્વેન્શન”માં ૧૪મી હતી.