પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્યો. પરિણામ એ આવ્યું કે હિંદીઓએ તેમાં પણ ખોયું જ. માત્ર ફાયદો એટલો થયો કે વધારે ખોવાને બદલે ઓછું ખોયું. એ પંચના ઠરાવ પ્રમાણે સુધારો સન ૧૮૮૬માં થયો. તેની રૂએ પચીસ પાઉન્ડને બદલે ત્રણ પાઉન્ડ લેવાનું ઠર્યું અને જમીનની માલિકી કયાંયે ન લઈ શકાય એવી આકરી શરત હતી તેને બદલે એવું ઠર્યું કે ટ્રાન્સવાલની સરકાર મુકરર કરે તેવા લત્તામાં કે વાડીમાં હિંદીઓ જમીન લઈ શકે. આ કલમનો અમલ થવામાં પણ સરકારે મન ચોર્યું, તેથી આવા વાડાઓમાં પણ જલખરીદ (પસાયતી) જમીન લેવાના હક તો ન જ આપ્યા. આ વાડાઓ દરેક શહેરમાં જ્યાં હિંદીઓનો વસવાટ હતો તેમાં શહેરથી ઘણે દૂર અને ગંદામાં ગંદી જગ્યાએ રાખવામાં આવ્યા. ત્યાં પાણીબત્તીની સગવડ ઓછામાં ઓછી, પાયખાનાં સાફ કરવાનું પણ તેવું જ; એટલે આપણે ટ્રાન્સવાલની પંચમ જાતિ બન્યા. અને તેથી અા વાડાઓ અને હિંદુસ્તાનના ઢેડવાડાઓમાં કંઈ જ તફાવત નહીં એમ કહી શકાય. જેમ હિંદુ ઢેડને અડકવાથી અથવા ઢેડના પડોશથી અભડાઈ જાય તેમ જ હિંદીના સ્પર્શથી કે પડોશથી ગોરા અભડાય એવી સ્થિતિ લગભગ આવી રહી. વળી આ સન ૧૮૮૫ના કાયદા નં. ૩નો ટ્રાન્સવાલની સરકારે એવો અર્થ કર્યો કે હિંદી કોમ વેપાર પણ અા વાડાઓમાં જ કરી શકે. આ અર્થ બરોબર છે કે નથી તેનો ફેંસલો ટ્રાન્સવાલની અદાલત રેપર પંચે રાખેલો હતો એટલે હિંદી વેપારીઓની સ્થિતિ બહુ કફોડી હતી. છતાં મસલતો ચલાવી, કોઈ જગ્યાએ કોઈ કેસો લડી, કોઈ જગ્યાએ વગો ચલાવી, હિંદી વેપારીઓ પોતાની સ્થિતિ ઠીક ઠીક જાળવી શકયા હતા. આ પ્રમાણે દુ:ખદ અને અનિશ્ચિત હાલત બોઅર લડાઈ જાગી તે વખતે ટ્રાન્સવાલની હતી.

હવે આપણે ફ્રી સ્ટેટ તપાસીએ. ત્યાં દસપંદરથી વધારે હિંદી દુકાનો નહીં થઈ હોય તેવામાં જ ગોરાઓએ જબરદસ્ત હિલચાલ ચલાવી મૂકી. ત્યાંનો ધારાસભાએ ચોક્સીથી કામ કરી તળિયું સાફ જ કર્યું. એક સખત કાયદો પસાર કરી, નજીવો નુકસાનીનો બદલો આપી, દરેક હિંદી દુકાનદારને ફ્રી સ્ટેટમાંથી કાઢી મૂકયો.. એ કાયદાની રૂએ હિંદી વેપારી જમીનના માલિક કે ખેડૂત તરીકે ફ્રી સ્ટેટમાં