પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વસી જ ન શકે, મતદાર તો ન જ થવાય. ખાસ રજા મેળવીને મજૂરવર્ગ અથવા હોટલના વેઈટર તરીકે રહી શકે ! આવી રજા પણ દરેક અરજદારને મળે એવું તો હોય જ નહીં. પરિણામ એવું આવ્યું કે ફ્રી સ્ટેટમાં કોઈ પ્રતિષ્ઠિત હિંદી બેચાર દિવસ રહેવાને ઈચ્છે તોપણ બહુ મુસીબતે જ રહી શકે. લડાઈને સમયે ત્યાં આશરે ચાળીસેક હિંદી વેઈટર સિવાય બીજા કોઈ હિંદી ન હતા.

કેપ કોલોનીમાં જોકે થોડીઘણી હિલચાલ અખબારોમાં હિંદીઓની સામે થયાં કરતી. નિશાળો વગેરેમાં હિદી બાળકો ન જઈ શકે, હોટેલ વગેરેમાં હિંદી મુસાફર ભાગ્યે જ ઊતરી શકે,–આવી હિંદીઓની અવગણના કરનારી વર્તણૂક તો ત્યાં પણ હતી – છતાં વેપારવણજ અથવા જમીનની માલિકી વિશે કંઈ હરકત ઘણા કાળ સુધી ન હતી.

આમ હોવાનું કારણ જણાવવું જોઈએ. એક તો કેપટાઉનમાં મુખ્યત્વે કરીને અને આખા કેપ કોલોનીમાં સામાન્ય રીતે મલાયી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હતી. એ વિશે આપણે આગળ જોઈ ગયા. મલાયી પોતે મુસલમાન તેથી હિંદી મુસલમાનોની સાથે તેઓનો સંબંધ તરત જ થયો, અને તેની વાટે હિંદીઓનો સંબંધ પણ થોડોઘણો તો થાય જ. વળી હિંદી મુસલમાનોમાંના કેટલાકે મલાયી ઓરતોની સાથે વિવાહનો સંબંધ જોડચો, મલાયીની સામે તો કોઈ પ્રકારનો કાયદો કેપની સરકારથી કેમ થઈ શકે ? એની તો કેપ કોલોની જન્મભૂમિ, એની ભાષા પણ ડચ. ડચની સાથેનો જ તેમનો પ્રથમનો વાસ, એટલે રહેણીમાં તેઓનું ઘણું અનુકરણ. આવાં કારણોથી કેપ કૉલોનીમાં ઓછામાં ઓછો રંગદ્વેષ હમેશાં રહ્યો છે. વળી કેપ કોલોની એ જૂનામાં જૂનું સંસ્થાન હોવાથી અને દક્ષિણ આફ્રિકાનું કેળવણીનું કેન્દ્ર હોવાથી ત્યાં પ્રૌઢ, વિનયી અને ઉદાર દિલના ગોરા પણ પેદા થયા. મારી માન્યતા પ્રમાણે તો દુનિયામાં એકે એવી જગ્યા નથી અને એક એવી જાતિ નથી કે જયાં અથવા જેમાં યોગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે તો સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન થઈ ન શકે. દક્ષિણ આફ્રિકામાં બધી જગ્યાએ એના નમૂના મેં સદ્ભાગ્યે જોયા છે. પણ કેપ કોલોનીમાં તેનું પ્રમાણ બહુ વધારે