પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દક્ષિણ આફ્રિકાની પહેલી સભા જે ત્યાં કેપટાઉન ટાઉનહૉલમાં મળી હતી તેમાં મિ. શ્રાઈનર પ્રમુખ હતા. મિ. મેરીમેને પણ તેમની સાથે મીઠાશથી, વિનયથી વાતો કરેલી અને હિંદીઓ પ્રત્યેની લાગણી દર્શાવેલી કેપટાઉનનાં અખબારોમાં પણ પ્રમાણમાં પક્ષપાત ઘણો ઓછો હતો.

મિ. મેરીમેન વગેરેનું જે હું લખી ગયો તેવું બીજા ગોરાઓને વિશે પણ લખી શકાય. અહીં તો માત્ર દાખલા તરીકે ઉપરનાં સર્વમાન્ય નામો આપેલાં છે. આવા કારણથી કેપ કોલોનીમાં રંગદ્વેષ હમેશાં ઓછો રહ્યો છતાં જે વાયુ દક્ષિણ આફ્રિકાનાં ત્રણ સંસ્થાનોમાં નિરંતર વાયા કરતો હતો તેની ગંધ કેપ કોલોનીમાં ન જ પહોંચે એવું તો કેમ બને ? તેથી ત્યાં પણ નાતાલના જેવા પ્રવેશના અને વેપારના પરવાનાના કાયદા પસાર થયા. એટલે દક્ષિણ આફ્રિકાનું બારું જે હિંદીઓને સારુ તદ્દન ખુલ્લું હતું તે બોઅર લડાઈને વખતે લગભગ બંધ થઈ ગયું હતું એમ ગણી શકાય. ટ્રાન્સવાલમાં પ્રવેશ ઉપર પેલા ત્રણ પાઉન્ડની ફી ઉપરાંત કંઈ પણ અંકુશ નહોતો. પણ જ્યારે નાતાલ અને કેપનાં બંદરો બંધ થયાં ત્યારે ટ્રાન્સવાલ જે મધ્યમાં આવ્યું ત્યાં જનારા હિંદીઓ હિંદુસ્તાનથી કયાં ઊતરે ? એક રસ્તો હતો. તે પોર્ટુગીઝનું ડેલાગોઆ બે બંદર. પણ ત્યાંયે ઓછાવત્તા પ્રમાણમાં બ્રિટિશ સંસ્થાનોનું અનુકરણ થયું. ઘણી મુસીબતો વેઠી અથવા લાંચરુશવત દઈ નાતાલ મારફતે તેમ જ ડેલાગોઆ બે મારફતે છૂટાછવાયા હિંદીઓ ટ્રાન્સવાલમાં જઈ શકતા એટલું કહી દેવું જોઈએ.


૬. હિંદીઓએ શું કર્યું?

હિંદી પ્રજાની સ્થિતિનો વિચાર કરતાં પાછલાં પ્રકરણોમાં આપણે કંઈક અંશે જોઈ ગયા કે હિંદી પ્રજાએ પોતાની ઉપર થતા હુમલા કેવી રીતે ઝીલ્યા. પણ સત્યાગ્રહની ઉત્પત્તિનો ખ્યાલ સારી રીતે કરવાને સારુ હિંદી પ્રજાના સુરક્ષણને અંગે થયેલા પ્રયત્નોને એક