પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાસ પ્રકરણ આપવાની જરૂર છે. ૧૮૯૩ની સાલ સુધી દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રજાને સારુ ઝૂઝી શકે એવા સ્વતંત્ર અને ઠીક કેળવાયેલા ગણી શકાય એવા હિંદી થોડા જ હતા. અંગ્રેજી જાણનાર હિંદીઓમાં મુખ્યત્વે મહેતાવર્ગ. તેઓ પોતાના કામજોગું અંગ્રેજી જાણે, પણ તેઓથી અરજીઓ વગેરે ન જ ઘડી શકાય. વળી તેઓએ પોતાના શેઠને બધો વખત આપવો જોઈએ. આ સિવાય બીજા અંગ્રેજીમાં કેળવાયેલો વર્ગ તે દક્ષિણ આફ્રિકામાં જ પેદા થયેલા હિંદીઓ, એ ઘણે ભાગે તો ગિરમીટિયાની પ્રજા અને તેઓમાંના ઘણાખરા જરાયે કુશળતા મેળવી હોય તો કચેરીઓમાં દુભાષિયાની સરકારી નોકરી કરતા, એટલે તેઓની વધારેમાં વધારે સેવા લાગણી બતાવવા ઉપરાંત બીજી શી હોઈ શકે ? વળી ગિરમીટિયા અને ગિરમીટમુક્ત એ મુખ્ય ભાગે સંયુક્ત પ્રાંત અને મદ્રાસ ઈલાકામાંથી આવેલો વર્ગ હતો સ્વતંત્ર હિંદી એ ગુજરાતના મુસલમાન, તે મુખ્યત્વે કરીને વેપારી; હિંદુ મુખ્યત્વે મહેતા, એ આપણે પાછળ જોઈ ગયા. આ સિવાય થોડા પારસી પણ વેપારી અને મહેતાવર્ગમાં હતા. પણ આખા દક્ષિણ આફ્રિકામાં પારસીઓની વસ્તી ૩૦-૪૦થી વધારે હોવાનો સંભવ નથી. સ્વતંત્ર વેપારીવર્ગમાં એક ચોથો જથ્થો સિંધના વેપારીઓનો. અાખા દક્ષિણ આફ્રિકામાં બસે અથવા તેથી પણ વધારે સિંધીઓ હશે. તેઓનો વેપાર હિંદુસ્તાનની બહાર જ્યાં જયાં તેઓ વસ્યા છે ત્યાં ત્યાં એક જ પ્રકારનો હોય છે એમ કહી શકાય. તેઓ 'ફેન્સી ગુડ્ઝ'ના વેપારી તરીકે ઓળખાય છે. 'ફેન્સી ગુડ્ઝ' એટલે રેશમ, જરી વગેરેનો સામાન, કોતરકામવાળાં મુંબઈનાં સીસમનાં, સુખડનાં, દાંતનાં અનેક પ્રકારનાં પેટી વગેરે રાચરચીલાં અને એવી જાતનો સામાન તેઓ મુખ્યત્વે વેચતા હોય છે. તેઓના ઘરાકો ઘણે ભાગે ગોરા જ હોય છે.

ગિરમીટિયાને ગોરાઓ 'કુલી'ને નામે જ પોકારે, કુલી એટલે હેલકરી. એ નામ એટલે સુધી પ્રચલિત થઈ ગયું કે ગિરમીટિયા પોતે પણ પોતાને કુલી નામે ઓળખાવતાં અચકાય નહીં ! એ નામ પછી તો હિંદીમાત્રને લાગુ પડયું એટલે હિંદી વકીલ, હિંદી વેપારીને અનુક્રમે કુલી વકીલ અને કુલી વેપારી તરીકે સેંકડો ગોરાઓ ઓળખે !