પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંભાળ લેવા બાબત તેમના હિંદી આડતિયાઓને જુદે જુદે ઠેકાણે તાર કર્યો.. જનરલ મેનેજરને પણ તેઓ મળ્યા. આડતિયાને કરેલા તારને પરિણામે મેરિત્સબર્ગના હિંદી વેપારીઓ મને મળ્યા. તેઓએ મને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મારા જેવા કડવા અનુભવ તેમને બધાને થયેલા. પણ તેઓ ટેવાઈ ગયેલા એટલે ગણકારતા નહીં હતા. વેપાર કરવો અને નાજુક મન રાખવું એ કેમ બની શકે ? એટલે પૈસાની સાથે અપમાન થાય તે પણ પેટીમાં સંઘરવાનો કાયદો કબૂલ કરી લીધો હતો ! એ જ સ્ટેશન ઉપર મુખ્ય દરવાજેથી હિંદીઓને આવવાની મનાઈ, ટિકિટો મળવામાં થતી મુશ્કેલી વગેરેનું વર્ણન પણ તેઓએ મને આપ્યું. તે રાત્રે જે ટ્રેન આવી તેમાં હું રવાના થયો. મારો નિશ્ચય બરોબર છે કે નહીં તેની પરીક્ષા અંતર્યામીએ સંપૂર્ણ કરી. પ્રિટોરિયા પહોંચતાં પહેલાં વધારે અપમાનો અને માર સહન કરવાં પડયાં. પણ તે બધાંની મારા મન ઉપર મારા નિશ્ચયમાં મને દઢ રાખવાની જ અસર થઈ.

આમ ૧૮૯૩ના વર્ષમાં મને અનાયાસે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો બરાબર અનુભવ મળ્યો. પ્રસંગોપાત્ત પ્રિટોરિયાના હિંદીઓને તે વિશે હું વાતચીત કરતો, સમજાવતો પણ તે ઉપરાંત મેં કંઈ ન કર્યું. દાદા અબ્દુલ્લાના કેસનું રક્ષણ કરવું અને દક્ષિણ આફ્રિકાના હિંદીઓના દુ:ખમાં માથું મારવું એ ન ભળી શકે એવું મને લાગ્યું. બંને કરવા જતાં બંને બગડે એ હું જોઈ શકયો. એમ કરતાં ૧૮૯૪ની સાલ આવી, કેસ પણ પૂરો થયો. હું ડરબન પાછો વળ્યો. જવાની તૈયારીઓ કરી. દાદા અબ્દુલ્લાએ મારે સારુ વિદાયગીરીની એક મિજલસ પણ કરી. ત્યાં કોઈએ ડરબનનું “મર્ક્યુરી” છાપું મારા હાથમાં મૂકયું. તેમાં ધારાસભાના કારભારના વિગતવાર હવાલમાં થોડી લીટીઓ હિંદી મતાધિકાર – “ઈન્ડિયન ફ્રેંચાઈઝ” – એ મથાળા નીચે મેં વાંચી. તેમાંથી મેં જોયું કે હિંદીના બધા હકો છીનવી લેવાનો આ પાયો છે. ભાષણોમાં જ એ ઈરાદો સ્પષ્ટ હતો. મિજલસમાં આવેલા શેઠિયાઓ વગેરેને મેં આ વસ્તુ વંચાવી, સમજાવી શકું તે પ્રમાણે સમજાવી બધી હકીકત તો હું જાણતો ન હતો. મેં સૂચવ્યું કે હિંદીઓએ આ હુમલાની સામે સખત લડત લેવી જોઈએ.