પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મારે છોડવો પડે છે. પણ એક વાત જણાવવી અગત્યની છે. અતિશયોક્તિથી પ્રજા હમેશાં બચતી રહેતી હતી. પોતાની ખામી પ્રજાને જોવડાવવાનો હમેશાં પ્રયત્ન રહેતો. ગોરાઓની દલીલમાં જેટલું વજૂદ હોય એ તરત સ્વીકારવામાં આવતું, અને ગોરાઓની સાથે સ્વતંત્રતા અને સ્વમાન જાળવી શકાય એવો હરેક પ્રસંગ વધાવી લેવામાં આવતો. હિંદી હિલચાલનું જેટલું ત્યાંનાં અખબારો લઈ શકે તેટલું તેમાં આપવામાં આવતું, અને અખબારોમાં હિંદીઓ ઉપર અયોગ્ય હુમલા થતા તેના જવાબ દેવામાં પણ આવતા.

આ પ્રમાણે જેમ નાતાલમાં નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ' હતી તેમ તેવી પ્રવૃત્તિ ટ્રાન્સવાલમાં પણ હતી. ટ્રાન્સવાલની સંસ્થા નાતાલથી તદ્દન સ્વતંત્ર હતી. તેના બંધારણમાં પણ કંઈક તફાવત હતો. તેમાં હું વાંચનારને નથી ઉતારતો. એવા પ્રકારની સંસ્થા કેપટાઉનમાં પણ હતી. ત્યાંનું બંધારણ નાતાલ અને ટ્રાન્સવાલની સંસ્થાઓથી પણ નોખા પ્રકારનું હતું. છતાં ત્રણેની પ્રવૃત્તિ લગભગ એક જ જાતની ગણી શકાય.

૧૮૯૪ની સાલ પૂરી થઈ. કોંગ્રેસનું વર્ષ પણ '૯પના મધ્યમાં પૂરું થયું. મારું વકીલાતનું કામ પણ અસીલોને પસંદ પડયું. મારું રહેવાનું લંબાયું. '૯૬ની સાલમાં કોમની રજા લઈને છ મહિનાને સારુ હું હિંદુસ્તાન આવ્યો. પૂરા છ મહિના તો રહી નહીં શકયો તેટલામાં નાતાલથી તાર મળવાથી તુરત પાછું જવું પડયું. ૧૮૯૬-૯૭નો હેવાલ આપણે બીજા પ્રકરણમાં તપાસીશું.


૭. હિંદીઓએ શું કર્યું? (ચાલુ)

આમ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસનું કામ સ્થિર થઈ ગયું. મેં પણ લગભગ અઢી વરસ મોટે ભાગે રાજ્યપ્રકરણી કામમાં નાતાલમાં ગાળ્યાં, અને મેં વિચાર્યું કે જો મારે હજુ વધારે દક્ષિણ આફ્રિકામાં રહેવું હોય તો મારા કુટુંબને પણ સાથે રાખવાની જરૂર છે. દેશમાં ડૂબકી મારી આવવાનું પણ મન થયું. અને તે દરમ્યાન હિદુસ્તાનના આગેવાનોને