પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ વિસ્તારથી નાતાલની અને દક્ષિણ આફ્રિકાના બીજા ભાગમાં વસતા હિંદીઓની સ્થિતિનો મુખ્તેસર ખયાલ પણ આપવો. કોંગ્રેસે છ મહિનાની રજા આપી અને મારી જગ્યાએ નાતાલના જાણીતા વેપારી મરહૂમ આદમજી મિયાંખાન સેક્રેટરી નિમાયા. તેમણે કામ અતિશય બાહોશીથી ચલાવ્યું. મરહૂમ આદમજી મિયાંખાન અંગ્રેજી ઠીક ઠીક જાણતા હતા. અનુભવે પોતાનું ચાલચલાઉ જ્ઞાન ખૂબ વધારી દીધું હતું. ગુજરાતીનો સામાન્ય અભ્યાસ. તેમનો વેપાર મુખ્યત્વે હબસીઓમાં હોવાથી ઝૂલુ ભાષા અને તેમના રીતરિવાજોનું તેમને સરસ જ્ઞાન હતું. સ્વભાવ શાંત અને ઘણો મળતાવડો. જોઈએ એટલું જ બોલવાવાળા હતા. આ બધું લખવાનો હેતુ એટલો જ કે મોટી જવાબદારીનો હોદ્દો ભોગવવાને સારુ અંગ્રેજી ભાષાનું કે બીજું ભારે અક્ષરજ્ઞાન હોવાની જરૂર હોય છે તેના કરતાં, ઘણી વધારે જરૂર સચ્ચાઈ, શાંતિ, સહનશીલતા, દઢતા, સમયસૂચકતા, હિંમત અને વ્યવહારબુદ્ધિની હોય છે. અા ન હોય ત્યાં સારામાં સારા અક્ષરજ્ઞાનની સામાજિક કામમાં દુકાનીભર પણ કિંમત નથી હોતી.

૧૮૯૬ની સાલના મધ્યમાં હું હિંદુસ્તાન પાછો આવ્યો. હું કલકત્તાને રસ્તે થઈને આવેલો. કારણ કે તે વખતે નાતાલથી કલકત્તે જનારી સ્ટીમરો સહેલાઈથી મળતી હતી. ગિરમીટિયા કલકત્તેથી અથવા તો મદ્રાસથી ચડતા. કલકત્તેથી મુંબઈ આવતાં રસ્તામાં જ મારી ટ્રેન ચૂકવાથી એક દિવસને સારુ મારે અલાહાબાદ રોકાવું પડયું. ત્યાંથી જ મારું કામ મેં શરૂ કર્યું. 'પાયોનિયર'ના મિ. ચેઝનીને મળ્યો. તેમણે મારી સાથે મીઠાશથી વાત કરી. તેમનું વલણ સંસ્થાનો તરફ હતું એમ તેમણે પ્રામાણિકપણે મને જણાવ્યું. પણ જો હું કંઈ લખું તો તે વાંચી જવા અને પોતાના પત્રમાં તેની નોંધ લેવાની તેમણે પ્રતિજ્ઞા કરી. મેં એટલું બસ માન્યું. દેશમાં મેં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિ વિશે એક ચોપાનિયું લખ્યું તેની નોંધ લગભગ બધાં છાપાંઓએ લીધી. તેની બે આવૃત્તિઓ છાપવી પડી હતી, પાંચ હજાર નકલો દેશમાં જુદે જુદે ઠેકાણે મોકલાવી. આ જ વેળા મેં હિંદુસ્તાનના આગેવાનોનાં દર્શન કર્યા–મુંબઈમાં સર ફીરોજશાહ મહેતા, ન્યાયમૂર્તિ બદરુદ્દીન તૈયબજી, મહાદેવ ગોવિંદ