પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાનડે વગેરે, પૂનામાં લોકમાન્ય તિલક અને એમનું મંડળ, પ્રોફેસર ભાંડારકર, ગોપાળ કૃષ્ણ ગોખલે અને તેમનું મંડળ, મુંબઈથી શરૂ કરીને પૂના મદ્રાસમાં મેં ભાષણો પણ કરેલાં. આની વિગતો આપવા નથી ઈચ્છતો.

પણ પૂનાનું એક પવિત્ર સ્મરણ આપ્યા વિના નથી રહી શકતો, જોકે આપણા વિષયની સાથે તેનો કશો સંબંધ નથી. સાર્વજનિક સભા લોકમાન્યના હાથમાં હતી. મરહૂમ ગોખલેજીનો સંબંધ ડેક્કન સભા સાથે હતો. હું પ્રથમ મળેલો તિલક મહારાજને. તેમને મેં જ્યારે પૂનામાં સભા ભરવાની વાત કરી ત્યારે તેમણે મને પૂછયું : તમે ગોપાળરાવને મળ્યા છો ?

પ્રથમ તો હું ન સમજ્યો.. એટલે તેમણે પૂછયું કે મિ. ગોખલેને તમે મળ્યા છો ? એમને જાણો છો ?

મેં કહ્યું : હું હજુ મળ્યો નથી. એમને નામથી જ ઓળખું છું, પણ મળવાનો ઈરાદો છે.

લોકમાન્ય : તમે હિંદુસ્તાનના રાજ્યપ્રકરણથી વાકેફ નથી લાગતા.

મેં કહ્યું: હું ભણી આવ્યા પછી હિંદુસ્તાનમાં થોડું જ રહેલો. અને ત્યારે પણ રાજ્યપ્રકરણી વિષયોમાં હું જરાયે પડયો ન હતો. એ મારી શક્તિની બહાર હું માનતો.

લોકમાન્ય : ત્યારે મારે તમને કંઈક પરિચય આપવો પડશે. પૂનામાં બે પક્ષ છે : એક સાર્વજનિક સભાનો અને બીજે ડેકકન સભાનો.

મેં કહ્યું : એ વિશે તો હું કંઈક જાણું છું.

લોકમાન્ય : અહીં સભા ભરવી એ તો સહેલી વાત છે. પણ હું જોઉં છું કે તમે તમારો સવાલ બધા પક્ષની પાસે મૂકવા ઈચ્છો છો અને મદદ પણ બધાની માગો છો. એ મને પસંદ પડે છે. પણ જો તમારી સભામાં અમારામાંનો કોઈ પ્રમુખ થાય તો ડેકકન સભાવાળા નહીં આવે. અને ડેકકન સભાવાળાનો પ્રમુખ થશે તો અમારામાંના કોઈ નહીં આવે. તેથી તમારે તટસ્થ પ્રમુખ શોધવા જોઈએ. હું તો એમાં સૂચના જ કરી શકીશ. બીજી મદદ મારાથી નહીં થઈ શકે. તમે પ્રોફેસર ભાંડારકરને ઓળખો છો ? ન ઓળખતા હો તોપણ એમની પાસે જજો. એઓ તટસ્થ ગણાય છે. રાજ્યપ્રકરણી