પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામોમાં ભાગ પણ નથી લેતા. પણ કદાચ તમે તેમને લલચાવી શકશો. મિ. ગોખલેની પાસે આ વાત કરજો. તેમની પણ સલાહ લેજો. ઘણું કરીને તેઓ પણ મારા જેવી જ સલાહ આપશે, જો પ્રોફેસર ભાંડારકર જેવા ગૃહસ્થ પ્રમુખ થાય તો સભા ભરી આપવી એ કામ બંને પક્ષ ઊંચકી લેશે એવી મારી ખાતરી છે. અમારી મદદ તો એમાં તમને પૂરી મળશે.

આ સલાહ મેળવી હું ગોખલેજી પાસે ગયો. આ પહેલા મેળાપમાં તેમણે મારા હૃદયમાં કેમ રાજ્યાધિકાર મેળવ્યો એ તો હું બીજે પ્રસંગે લખી ગયો છું.[૧] જિજ્ઞાસુએ “યંગ ઈન્ડિયા” અથવા “નવજીવન”ની ફાઈલ તપાસી લેવી. લોકમાન્યની સલાહ ગોખલેજીને પણ ગમી. હું તરત પ્રોફેસર ભાંડારકરની પાસે પહોંચી ગયો. એ વિદ્વાન બુઝુર્ગનાં દર્શન કર્યા. નાતાલનો કિસ્સો ધ્યાનપૂર્વક સાંભળીને તેમણે કહ્યું કે “તમે જોયું છે કે હું તો જાહેર જિંદગીમાં ભાગ્યે જ પડું છું. હવે તો બુઢ્ઢો પણ થયો. છતાં તમારી વાતે મારા મન ઉપર બહુ અસર કરી છે. બધા પક્ષની મદદ મેળવવાનો તમારો ઈરાદો મને ગમે છે. વળી, તમે હિંદુસ્તાનના રાજ્યપ્રકરણથી અજાણ્યા જણાઓ છો, અને જુવાન છો, તેથી બંને પક્ષને કહેજો કે તમારી માગણી મેં સ્વીકારી છે અને જયારે સભા ભરાય ત્યારે મને તેઓમાંના કોઈ ખબર આપશે એટલે હું અવશ્ય હાજર થઈશ.” પૂનામાં સુંદર સભા ભરાઈ હતી. બંને પક્ષના આગેવાનો હાજર હતા અને બંને પક્ષના આગેવાનોએ ભાષણ કરેલાં.

હું મદ્રાસ ગયો. ત્યાં જસ્ટિસ સુબ્રહ્મણ્યમ્ આયરને મળ્યો, તેમ જ આનંદચાર્લું, તે વખતના 'હિંદુ'ના અધિપતિ જી. સુબ્રહ્મણ્યમ્, અને 'મદ્રાસ સ્ટેન્ડર્ડ'ના અધિપતિ પરમેશ્વરમ્ પિલ્લે, પ્રખ્યાત વકીલ ભાષ્યમ આયંગાર, મિ. નોર્ટન વગેરેને મળ્યો. ત્યાં પણ સભા થઈ. ત્યાંથી કલકત્તા ગયો.. ત્યાં સુરેન્દ્રનાથ બેનરજી, મહારાજા સત્યેન્દ્રનાથ ટાગોર, “ઇંગ્લિશમેન”ના અધિપતિ મરહૂમ મિ. સૉન્ડર્સ વગેરેને પણ મળ્યો. ત્યાં સભાની તૈયારીઓ થતી હતી તેટલામાં

  1. જુઓ “યં. ઈ.” , તા. ૧૩-૭-' ર૧; 'નવજીવન', તા. ૨૮-૭-' ૨૧.