પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે ૧૮૯૬ના નવેમ્બર માસમાં નાતાલથી તાર મળ્યો: – “એકદમ આવો.” હું સમજી ગયો કે હિંદીઓ વિરુદ્ધ કંઈક પણ નવી હિલચાલ શરૂ થઈ હશે. તેથી કલકત્તાનું કામ પૂરું કર્યા વિના હું પાછો ફર્યો અને મુંબઈથી મળતી પહેલી જ સ્ટીમરમાં હું ચડી ગયો. આ સ્ટીમર દાદા અબ્દુલ્લાની પેઢીએ ખરીદી હતી, અને પોતાના અનેક સાહસમાં નાતાલ અને પોરબંદરની વચ્ચે સ્ટીમર ચલાવવાનું આ તેમનું પહેલું સાહસ હતું. એ સ્ટીમરનું નામ 'કુસ્લેન્ડ' હતું. એ સ્ટીમરની પછી તરત જ તે જ દિવસે પર્શિયન કંપનીની આગબોટ 'નાદરી' પણ નાતાલ જવા રવાના થઈ. મારી ટિકિટ 'કુસ્લેન્ડ'ની હતી. મારી સાથે મારું કુટુંબ હતું. બંને સ્ટીમરમાં મળી દક્ષિણ આફ્રિકા જનારા લગભગ ૮૦૦ ઉતારુઓ હશે.

હિંદુસ્તાનમાં જે હિલચાલ મેં કરી એ એટલા બધા મોટા પાયા પર થઈ પડી – અને તેની નોંધ ઘણાંખરાં મુખ્ય અખબારોમાં લેવાયેલી – કે રૂટરે તે વિશેના તાર વિલાયત મોકલાવેલા એ ખબર મને નાતાલ પહોંચતાં પડી. વિલાયતના તાર ઉપરથી રૂટરના ત્યાંના પ્રતિનિધિએ એક ટૂંકો તાર દક્ષિણ આફ્રિકામાં પણ મોકલાવ્યો. એ તારમાં મેં જે હિંદુસ્તાનમાં કહેલું તેને કંઈ ઢોળ ચડયો હતો. આવી અતિશયોક્તિ આપણે ઘણી વાર જોઈએ છીએ. એ બધું ઈરાદાપૂર્વક નથી બનતું. અનેક કામો કરનારા માણસો વસ્તુઓ ઉપરઉપરથી વાંચી જાય, કંઈક તો પોતાના ખ્યાલ હોય જ, તેનું એક તારણ થાય, તેમાં વળી મગજ બીજું તારણ કરે, એનો વળી જ્યાં જાય ત્યાં નવો જ અર્થ થાય, આ બધું અનાયાસે જ બન્યા કરે છે. સાર્વજનિક પ્રવૃત્તિઓનું આ જોખમ છે, અને આ તેની હદ પણ છે. હિંદુસ્તાનમાં મેં નાતાલના ગોરાઓની ઉપર આક્ષેપો કરેલા; ગિરમીટિયા ઉપરના ૩ પાઉંડના કર વિશે હું બહુ સખત બોલેલો. સુબ્રહ્મણ્યમ્[૧] નામના નિરપરાધી ગિરમીટિયા ઉપર તેના માલિકે હુમલો કરેલો, તેને થયેલા જખમો મેં જોયેલા, તેનો આખો કેસ મારા

  1. આ સરતચૂક લાગે છે. 'આત્મકથા'માં બાલાસુન્દરમ્ નામ છે. અને એ સાચું છે.