પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાથમાં હતો એટલે એનો ચિતાર મારી શક્તિ અનુસાર હું ઠીક ચીતરી શકયો હતો. આ બધાનું તારણ જ્યારે નાતાલવાસીઓએ વાંચ્યું ત્યારે તેઓ મારી સામે ખૂબ ઉશ્કેરાયા. ખૂબી એ છે કે જે મેં નાતાલમાં લખ્યું હતું તે હિંદુસ્તાનમાં લખ્યું અને કહ્યું તેના કરતાં વધારે તીખું અને વધારે વિગતવાર હતું, હિંદુસ્તાનમાં મેં એક પણ વસ્તુ એવી નહોતી કહી કે જેમાં જરાયે અતિશયોક્તિ હોય. પણ અનુભવથી હું એટલું જાણતો હતો કે કોઈ પણ કિસ્સાનું વર્ણન અજાણ્યા માણસની આગળ કરીએ ત્યારે તેમાં આપણે જેટલો અર્થ સમાવ્યો હોય તેના કરતાં અજાણ્યો સાંભળનાર કે વાંચનાર વધારે જુએ છે, તેથી ઈરાદાપૂર્વક હિંદુસ્તાનમાં મેં નાતાલનું ચિત્ર કંઈક પણ અંશે હળવું જ ચીતર્યું હતું. પણ નાતાલમાં મારું લખેલું તો ઘણા થોડા ગોરા વાંચે, તેની દરકાર તેથી પણ ઓછા કરે. હિંદુસ્તાનમાં કહેવાયેલાને વિશે ઊલટું જ બને અને બન્યું, રૂટરનું તારણ તે તો હજારો ગોરા વાંચે. વળી તારમાં નોંધ લેવા લાયક જે વિષય ગણાયો હોય તે વિષયનું મહત્ત્વ હોય તેના કરતાં વધારે ગણાય. નાતાલના ગોરા ધારે એટલી અસર જે હિંદુસ્તાનમાં મારા કામની પડી હોય તો ગિરમીટની પ્રથા કદાચ બંધ થઈ જાય અને સેંકડો ગોરા માલિકોને તેથી નુકસાન થાય. તે ઉપરાંત વળી નાતાલના ગોરાઓની હિંદુસ્તાનમાં નામોશી થઈ ગણાય. અામ નાતાલના ગોરાઓ ઉશ્કેરાઈ રહ્યા હતા તેટલામાં તેઓએ સાંભળ્યું કે હું કુટુંબ સહિત 'કુસ્લેન્ડ'માં પાછો ફરું છું. તેમાં ૩૦૦-૪૦૦ હિંદી ઉતારુઓ છે. તેની જ સાથે તેટલા જ ઉતારુવાળી “નાદરી' સ્ટીમર પણ છે. અાથી તો બળતામાં ઘી હોમાયું અને મોટો ભડકો થયો. નાતાલના ગોરાઓએ મોટી સભાઓ ભરી. લગભગ બધા અગ્રેસર ગોરાઓએ સાથ આપ્યો. મુખ્યત્વે કરીને મારી સામે અને સામાન્ય રીતે હિંદી કોમ પર સખત ટીકાઓ થઈ. 'કુસ્લેન્ડ' અને 'નાદરી'ના આગમનને 'નાતાલ પર ચડાઈ'નું રૂપ આપવામાં આવ્યું. સભામાં બોલનારાએ અર્થ એવો કાઢયો કે હું એ આઠસો ઉતારુઓને સાથે લઈ આવેલો છું. અને નાતાલને સ્વતંત્ર હિંદીઓથી ભરી મૂકવાના પ્રયત્નનું આ મારું પહેલું પગલું છે. એમ સભાને મનાવવામાં આવ્યું. સભામાં