પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમારો રસ્તો ડરબનના મોટામાં મોટા મહોલ્લામાં થઈને હતો. અમે નીકળ્યા ત્યારે સાંજના ચાર-સાડાચાર થયા હશે. આકાશમાં સહેજ વાદળાં હતાં, પણ સૂરજને ઢાંકવા બસ હતાં. પગપાળા શેઠ રુસ્તમજીના મકાન સુધી પહોંચતાં કંઈ નહીં તો એક કલાક જાય એટલો રસ્તો હતો. અમે ઊતર્યા કે તરત જ કેટલાક છોકરાઓએ અમને જોયા, મોટાં માણસો તો તેમાં હતા જ નહીં, સામાન્ય રીતે બંદર ઉપર માણસો હોય એટલા જોવામાં આવતાં હતાં. કેટલાક છોકરાઓએ અમને જોયા. મારા જેવી પાઘડી પહેરનારો હું એક જ રહ્યો. છોકરાઓએ મને તુરત ઓળખયો ને “ગાંધી”, “ગાંધી” , “એને મારો”, “ઘેરો", એમ અવાજ કરતા અમારી તરફ આવ્યા. કોઈ કાંકરા પણ ફેંકવા લાગ્યા. કેટલાક આધેડ ગોરા પણ તેમાં ભળ્યા. ધીમે ધીમે હલ્લો વધ્યો. મિ. લૉટનને લાગ્યું કે ચાલતા જવામાં જોખમ ખેડવા જેવું છે. તેથી તેમણે “રિક્ષા” બોલાવી. 'રિક્ષા" એટલે મનુષ્યને ખેંચવાની નાની ગાડી હું તો કોઈ દિવસ 'રિક્ષા'માં બેઠેલ જ નહીં, કારણ કે મનુષ્ય ખેંચતા હોય એવા વાહનમાં બેસવા તરફ મને અતિશય અણગમો હતો. પણ આજે મને લાગ્યું કે 'રિક્ષા'માં બેસી જવું એ મારો ધર્મ છે. પણ ઈશ્વર જેને બચાવવાનો હોય એ પડવા ઈચ્છે તો પણ નથી પડી શકતો એવું મારા જીવનમાં તો મેં પાંચસાત મુશ્કેલીને વખતે પ્રત્યક્ષ અનુભવેલું છે. હું નથી પડયો તેનો જશ મુદ્દલ મારાથી લઈ જ નહીં શકાય. રિક્ષા હાંકનારા હબસીઓ જ હોય છે. છોકરાઓએ અને મોટેરાઓએ રિક્ષાવાળાને ધમકી આપી કે તું જો આ માણસને રિક્ષામાં બેસાડશે તો તને મારશું અને રિક્ષા ભાંગી નાખશું. એટલે રિક્ષાવાળો 'ખા' (ના) કહી ચાલતો થયો અને મારું રિક્ષામાં બેસવાનું રહી જ ગયું.

હવે અમારી પાસે ચાલીને જ જવા સિવાય બીજો રસ્તો ન હતો. અમારી પાછળ સરઘસ જામ્યું. જેમ આગળ વધીએ તેમ સરઘસ પણ વધતું જ જાય. મુખ્ય રસ્તામાં[૧] આવ્યા ત્યાં તો

  1. 'વેસ્ટ સ્ટ્રીટ'.