પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું સહીસલામત રુસ્તમજીને ત્યાં પહોંચ્યો. અહીંયાં પહોંચતાં લગભગ સાંજ પડી ગઈ હતી. 'કુસ્લેન્ડ'ના દાક્તર દાજી બરજોર રુસ્તમજી શેઠને ત્યાં હતા, તેણે મારી સારવાર શરૂ કરી. જખમો તપાસ્યા. ઘણા જખમ નહીં હતા. એક મૂઢ ઘા પડયો હતો તે જ વધારે ઈજા દેતો હતો. પણ હજુ મને શાંતિ મળવાનો અધિકાર નહોતો મળ્યો. રુસ્તમજી શેઠના ઘરની સામે હજારો ગોરા એકઠા થયા. રાત પડી એટલે લુચ્ચાલફંગા પણ તેમાં ભળે. લોકોએ રુસ્તમજી શેઠને કહેવડાવી દીધું કે જો તમે ગાંધીને અમારે હવાલે નહીં કરો તો તમને અને તમારી દુકાનને તેની સાથે જ સળગાવી મૂકીશું. એ કંઈ કોઈના ડરાવ્યા ડરે એવા હિંદી ન હતા. સુપરિન્ટેન્ડેન્ટ એલેકઝાંડરને ખબર પડી એટલે તે પોતાની છૂપી પોલીસ લઈને ધીમેથી આ ટોળામાં પેસી ગયા. એક માંચડો મંગાવી તેના ઉપર ઊભા. અામ લોકોની સાથે વાતચીત કરવાને બહાને પારસી રુસ્તમજીના ઘરના દરવાજાનો કબજો લીધો કે જેથી તેને તોડીને કોઈ ધૂસી ન શકે. યોગ્ય ઠેકાણે છૂપી પોલીસ તો ગોઠવી જ દીધી હતી. તેણે પહોંચતાંવેંત જ પોતાના એક અમલદારને હિંદીનો પોશાક પહેરી મોઢું રંગી હિંદી વેપારી જેવો દેખાવ કરવા કહી દીધું હતું, અને તેને હુકમ આપ્યો હતો કે મને મળવું અને જણાવવું કે "જો તમે તમારા મિત્રની, તેના પરોણાની, તેના માલની અને તમારા કુટુંબની રક્ષા કરવા ઈચ્છતા હો તો તમારે હિંદી સિપાઈનો વેશ પહેરી પારસીના ગોડાઉનમાંથી નીકળી ટોળામાંથી જ મારા માણસની સાથે સરકી જઈ પોલીસ ચોકી પર પહોંચી જવું. અા શેરીને ખૂણે તમારે સારુ ગાડી તૈયાર રાખેલી છે. તમને અને બીજાને બચાવવાનો મારી પાસે આ જ રસ્તો છે, ટોળું એટલું બધું ઉશ્કેરાયેલું છે કે તેને રોકી રાખવાને મારી પાસે કશું સાધન નથી. જો તમે તાકીદ નહીં કરો તો આ મકાન જમીનદોસ્ત થશે, એટલું જ નહીં પણ જાનમાલનું કેટલું નુકસાન થાય એનું અનુમાન સરખું હું નથી કરી શકતો."

હું સ્થિતિ તુરત સમજી ગયો. મેં તુરત જ સિપાઈનો પોશાક માગ્યો અને એ પહેરીને નીકળી ગયો અને સહીસલામત પોલીસ