શિકારને ઉપાડી ગઈ અને તમે હારી ગયા. એમાં પોલીસને તો તમે દોષ નહીં જ દો. જે પોલીસને તમે જ નીમેલી છે તે પોલીસે પોતાની ફરજ બજાવી છે."
આ બધી વાતચીત સુપરિન્ટેન્ડેન્ટે એટલી મીઠાશથી, એટલા હાસ્યથી અને એટલી દૃઢતાથી કરી કે લોકોએ તેણે માગેલું વચન આપ્યું. કમિટી નીમી. કમિટીએ પારસી રુસ્તમજીના ઘરનો ખૂણેખૂણો તપાસી નાખ્યો. અને લોકોને કહ્યું, 'સુપરિન્ટેન્ડેન્ટની વાત સાચી છે. તેણે આપણને હરાવ્યા છે.' લોકો નિરાશ તો થયા તોપણ પોતાના વચન પર પણ કાયમ રહ્યા. કંઈ નુકસાન ન કર્યું અને પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. આ દિવસ ૧૮૯૭ના જાન્યુઆરીની તેરમી તારીખનો હતો.
એ જ સવારે ઉતારુઓ પરનો પ્રતિબંધ છૂટયો કે તરત ડરબનના એક પત્રનો રિપોર્ટર અાગબોટ પર મારી પાસે અાવ્યો હતો. તે બધી હકીકત પૂછી ગયો હતો. મારી ઉપરના આરોપોનો તદ્દન સ્પષ્ટ ખુલાસો કરવો એ સાવ સહેલું હતું. સંપૂર્ણ દાખલાઓ આપી મેં બતાવ્યું હતું કે તલમાત્ર પણ અતિશયોક્તિ મેં કરી નથી. જે કંઈ મેં કર્યું એ મારો ધર્મ હતો, તેમ ન કરું તો મનુષ્યજાતિમાં ગણાવા પણ હું લાયક ન હોઉં. આ બધી હકીકત બીજે દિવસે પૂરેપૂરી પ્રગટ થઈ અને સમજુ ગોરાઓએ પોતાનો દોષ કબૂલ કર્યો. અખબારોએ નાતાલની પરિસ્થિતિ વિશે પોતાની લાગણી બતાવી, પણ મારા કાર્યનો તેની સાથે જ તેમણે પૂરો બચાવ કર્યો. આથી વળી મારી પ્રતિષ્ઠા વધી અને સાથે સાથે હિંદી કોમની પણ વધી. ગરીબ હિંદીઓ પણ નામર્દ નથી, વેપારીઓ પોતાના વેપારવણજની દરકાર કર્યા વિના સ્વમાનને સારુ, સ્વદેશને સારુ લડી શકે છે, એમ પણ તેઓની પાસે પુરવાર થયું.
આથી જોકે એક તરફથી કોમને દુ:ખ સહન કરવું પડયું, દાદા અબ્દુલ્લાને તો મોટા નુકસાનમાં ઊતરવું પડયું, છતાં આ દુઃખને અંતે તો લાભ જ થયો એમ હું માનું છું. કોમને પણ પોતાની શક્તિનું કંઈક માપ મળ્યું અને આત્મવિશ્વાસ વધ્યો. હું પણ વધારે ઘડાયો અને હવે એ દિવસનો વિચાર કરતાં એમ જાઉં છું કે ઈશ્વર મને સત્યાગ્રહને સારુ તૈયાર કરી રહ્યો હતો.