પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ તમે જાણતા હતા તો તમારો અને કમિટીનો ધર્મ હતો કે જે જે તર્કો તમે બાંધેલા તે વિશે મને પૂછવું, મારા જવાબ સાંભળવા, અને પછી જે યોગ્ય લાગે તે કરવું. હવે મારા ઉપર હુમલો થયો તે બાબત કંઈ તમારી ઉપર કે કમિટી ઉપર હું કામ ચલાવી શકું એમ છે જ નહીં. અને તેમ બનતું હોય તોપણ કોર્ટની મારફત એવી દાદ હું મેળવવા ન ઈચ્છું. તમને યોગ્ય લાગ્યું તે પ્રમાણે નાતાલના ગોરાના હક જાળવવાને સારુ તમે પગલાં લીધાં એ રાજ્યપ્રકરણી વિષય થયો. મારે પણ એ જ ક્ષેત્રમાં તમારી સામે લડવાનું રહ્યું, અને તમને અને ગોરાઓને બતાવવાનું રહ્યું કે હિંદી કોમ બ્રિટિશ સલ્તનતના એક મોટા વિભાગ તરીકે ગોરાઓને નુકસાન પહોંચાડ્યા વિના કેવળ પોતાનું સ્વમાન અને હક જાળવવા ઈચ્છે છે." મિ. એસ્કબ બોલ્યા, “તમે કહ્યું તે હું સમજ્યો અને મને ગમ્યું પણ છે. તમે કામ ચલાવવા નથી ઈચ્છતા એવું સાંભળવા હું તૈયાર ન હતો અને તમે ચલાવવા ઈચ્છત તો હું જરાયે નાખુશ ન થાત. પણ જ્યારે તમે તમારો ફરિયાદ નહીં કરવાનો વિચાર દર્શાવી દીધો છે ત્યારે મને કહેતાં સંકોચ નથી થતો કે તમે યોગ્ય નિશ્ચય ઉપર આવ્યા છો. એટલું જ નહીં પણ તમારા એ સંયમથી તમે તમારા કોમની વિશેષ સેવા કરશો, સાથે મારે એટલું પણ કબૂલ કરવું જોઈએ કે તમે નાતાલની સરકારને તમારા પગલાથી વિષમ સ્થિતિમાંથી બચાવી લેશો. તમે ઈચ્છો તો અમે પકડાપકડી વગેરે તો કરીએ પણ તમને તો કહેવું પડે એમ નથી કે એ બધું કરવામાં વળી પાછો ગોરાઓનો પિત્તો ઊછળે, અનેક પ્રકારની ટીકાઓ થાય. અને આ બધું કોઈ રાજ્યસત્તાને ન જ ગમે. પણ જો તમે છેવટનો નિશ્ચય કરી લીધો હોય તો ફરિયાદ ન કરવાનો વિચાર જણાવનારી એક ચિઠ્ઠી તમારે મારા ઉપર લખવી જોઈએ. આપણી વાતચીતનો સાર જ આપીને હું મિ. ચેમ્બરલેનની પાસે મારી સરકારનો બચાવ ન કરી શકું. મારે તો તમારી ચિઠ્ઠીના ભાવાર્થનો જ તાર કરવો જોઈએ. પણ એ ચિઠ્ઠી તમે હમણાં જ આપો એમ હું નથી કહેતો. તમારા મિત્રોની સાથે મસલત કરો. મિ. લૉટનની પણ સલાહ લો. અને પછી પણ તમારા વિચાર પર તમે કાયમ હો