સ્વરૂપમાં જાહેરમાં મૂકી જ્યાં જ્યાં એમને ઠીક લાગ્યું ત્યાં ત્યાં ખાસ અંગત કાગળો લખ્યા. એમની ટપાલ જ્યારે જરૂરનો પ્રશ્ન ચાલતો હોય ત્યારે લગભગ દર અઠવાડિયે આવતી. એમનો જ જવાબ આવ્યો તેમાં એમણે લખેલું, "તમે જે સ્થિતિ જણાવો છો એ વાંચીને હું દિલગીર થયો છું. તમારું કામ તમે વિનયથી, શાંતિથી અને નિરતિશયતાથી લઈ રહ્યા છો. મારી લાગણી સંપૂર્ણ રીતે આ પ્રશ્નમાં તમારા તરફ છે. અને ઈન્સાફ મેળવવા મારાથી જેટલું બને તેટલું ખાનગી અને જાહેર રીતે હું કરવા ધારું છું. મારી ખાતરી છે કે આ બાબતમાં આપણાથી એક તસુ પણ મુકાણ કરી શકાય નહીં. તમારી માગણી એવી છે કે જેમાંથી કાપકૂપ કરવાનું કોઈ નિષ્પક્ષપાતી માણસ સૂચવી જ ન શકે." લગભગ આવા જ શબ્દો એમણે 'ટાઈમ્સ'માંના પોતાના પહેલા લેખમાં પણ લખેલા એ જ સ્થિતિ એમણે છેવટ સુધી કાયમ રાખેલી અને લેડી હંટરના એક કાગળમાં હતું કે એમનો મરણકાળ આવ્યો તે અરસામાં પણ હિંદી પ્રશ્ન ઉપર એક લેખમાળા લખવાનું ખોખું તેમણે તૈયાર કર્યું હતું.
મનસુખલાલ નાજરનું નામ ગયા પ્રકરણમાં આપી ગયો છું. પ્રશ્નની વધારે સમજ પાડવાને સારુ એમને કોમની વતી વિલાયત મોકલવામાં આવ્યા હતા અને બધા પક્ષોને સાથે રાખીને કામ લેવાની તેમને સૂચના હતી. અને એ ત્યાં રહ્યા તે દરમ્યાન મરહૂમ સર વિલિયમ વિલ્સન હંટર, સર મંચેરજી ભાવનગરી અને બ્રિટિશ કમિટીના પ્રસંગમાં રહ્યા જ કરતા. તેમ જ હિંદુસ્તાનના બીજા પેન્શન ખાતાના માજી અમલદારો, હિંદી પ્રધાનમંડળ, સંસ્થાનોનું પ્રધાનખાતું વગેરેના પરિચયમાં પણ રહેતા હતા. આમ એક પણ દિશા જ્યાં પહોંચી વળી શકાય તે પ્રયત્નથી ખાલી ન રાખી. એ બધાનું પરિણામ એ તો ચોખ્ખી રીતે આવ્યું કે હિંદુસ્તાનની બહાર વસનારા હિંદવાસીઓની સ્થિતિ એ વડી સરકારને સારુ વડો પ્રશ્ન થઈ પડી. અને તેની અસર સારી તેમ જ માઠી બીજાં સંસ્થાનો ઉપર પણ પડી. એટલે કે જ્યાં જ્યાં હિંદીઓ વસતા હતા ત્યાં ત્યાં હિંદી અને ગોરા બંને જાગ્રત થયા.