પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરકારે પણ દક્ષિણ આફ્રિકામાં થોડું લશ્કર દાખલ કરવું જોઈશે. જ્યારે બ્રિટિશ લશ્કર દક્ષિણ આફ્રિકામાં આવે એટલે પ્રેસિડન્ટ ક્રૂગર તરફથી ટાણો મારવામાં આવે અને વધારે તૈયારી કરવામાં આવે. આમ એક પક્ષ બીજાની ઉપર આરોપ મૂકીને બંને યુદ્ધની તૈયારીઓ ક૨તા જાય.

પ્રેસિડન્ટ ક્રૂગરની જ્યારે પૂરી તૈયારી થઈ રહી ત્યારે તેણે જોયું કે હવે બેસી રહેવું એ તો હાથે કરીને શત્રુને શરણ જવા જેવું છે. બ્રિટિશ સલ્તનતની પાસે પૈસાનો અને પશુબળનો અખૂટ ભંડાર છે; બ્રિટિશ સલ્તનત લાંબા કાળ સુધી ધીમે ધીમે તૈયારી કરતાં અને પ્રેસિડન્ટ ક્રૂગરને દાદ આપવા વીનવતાં વખત ગાળી શકે, અને દુનિયાને બતાવી શકે કે જ્યારે પ્રેસિડન્ટ ક્રૂગર કશી દાદ આપતા જ નથી ત્યારે નછૂટકે યુદ્ધ કરવું પડયું છે; એમ કહી એવી તૈયારીથી યુદ્ધ કરે કે પ્રેસિડન્ટ ક્રૂગરથી લડાઈમાં મુકાબલો થઈ જ ન શકે અને દીન બની બ્રિટિશ સલ્તનતની માગણીઓ કબૂલ કરવી પડે. જે પ્રજાનો ૧૮થી ૬૦ વરસ સુધીની ઉંમરનો બધો પુરુષવર્ગ લડવામાં . કુશળ હોય, જેની ઓરતો પણ ધારે તો લડી શકે એવી હોય, જે પ્રજામાં જાતિસ્વતંત્રતા એ ધાર્મિક સિદ્ધાંત ગણાતો હોય, એ પ્રજા ચક્રવર્તી રાજાના બળની સામે પણ એવી દીન સ્થિતિ ન ભોગવે. બોઅર પ્રજા એવી જ બહાદુર હતી.

ઓરેંજ ફ્રી સ્ટેટની સાથે પ્રેસિડન્ટ ક્રૂગરે પહેલેથી જ મસલત કરી રાખી હતી. આ બંને બોઅર રાજ્યોની એક જ પદ્ધતિ હતી. બ્રિટિશ માગણી પૂરેપૂરી રીતે કબૂલ કરવાનો અથવા તો ખાણના માલિકોને સંતોષ થાય એટલે દરજજે તે કબૂલ રાખવાનો પ્રેસિડન્ટ ફૂગરનો ઈરાદો હતો જ નહીં. તેથી બંને રાજ્યોએ વિચાર્યું કે જયારે લડાઈ થવાની જ છે તો હવે જેટલો વખત જાય તેટલો વખત બ્રિટિશ સલ્તનતને પોતાની તૈયારીને સારુ મળે છે. તેથી પ્રેસિડન્ટ ક્રૂગરે પોતાના છેવટના વિચાર અને છેવટની માગણી લૉર્ડ મિલ્નરને જણાવ્યાં. તેની જ સાથે ટ્રાન્સવાલ અને ઓરેંજ ફ્રી સ્ટેટની સરહદ ઉપર લશ્કર ગોઠવી દીધું. આનું પરિણામ બીજું આવી જ ન શકે. બ્રિટિશ જેવું ચક્રવર્તી રાજ્ય ધમકીને વશ થાય નહીં. “અલ્ટિમેટમ”ની