પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુદત પૂરી થઈ અને વીજળી વેગે બોઅર લશ્કર આગળ વધ્યું. લેડીસ્મિથ, કિંબરલી અને મેફેકિંગને ઘેરો ઘાલ્યો. અામ ૧૮૯૯માં આ મહાન યુદ્ધ શરૂ થયું, વાંચનાર જાણે જ છે કે લડાઈનાં કારણોમાં એટલે બ્રિટિશ માગણીઓમાં બોઅર રાજ્યોમાં ચાલતી હિંદીઓની પરિસ્થિતિ એ પણ દાખલ હતી.

આ અવસરે દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ શું કરવું? એ મહાપ્રશ્ન તેમની સમક્ષ ખડો થયો. બોઅરમાંથી તો આખો પુરુષવર્ગ લડાઈમાં ચાલ્યો ગયો. વકીલોએ વકીલાત છોડી, ખેડૂતોએ પોતાનાં ઘર છોડચાં, વેપારીઓએ પોતાના વેપારનો ત્યાગ કર્યો, નોકરોએ નોકરી છોડી. અંગ્રેજ તરફથી બોઅરના પ્રમાણમાં તો નહીં જ છતાં કેપ કોલોની, નાતાલ અને રોડેશિયામાંથી દીવાની વર્ગમાંના સંખ્યાબંધ માણસો સ્વયંસેવકો બન્યા. ઘણા મોટા અંગ્રેજ વકીલો અને અંગ્રેજ વેપારીઓ તેમાં જોડાયા. જે અદાલતમાં હું વકીલાત કરતો હતો તેમાં મેં હવે ઘણા થોડા વકીલો જોયા. મોટા વકીલો તો ઘણા લડાઈના કામમાં ગૂંથાઈ ગયા હતા. હિંદીઓ ઉપર જે આળ મૂકવામાં આવતાં હતાં તેમાંનું એક એ હતું કે "આ લોકો દક્ષિણ આફ્રિકામાં કેવળ પૈસા એકઠા કરવાને જ આવે છે, આપણી (અંગ્રેજો) ઉપર કેવળ બોજારૂપ છે, અને જેમ ઊધઈ લાકડામાં ભરાઈને લાકડું કોતરી કેવળ ખોખું કરી નાખે છે તેમ આ લોકો આપણાં કલેજાં કોરી ખાવાને જ આવેલા છે. મુલકની ઉપર જે ધાડ આવે, ઘરબાર લૂંટવાનો સમય આવે, તો તેઓ કંઈ આપણને કામ આવવાના નથી. આપણે ધાડપાડુઓથી બચવું પડશે એટલું જ નહીં પણ સાથે આ લોકોનું રક્ષણ કરવું પડશે." આ આળનો પણ અમે બધા હિંદીઓએ વિચાર કર્યો. એ આળમાં વજૂદ નથી એ બતાવવાનો આ સુંદર અવસર છે એમ તો અમને બધાને લાગ્યું. પણ બીજી તરફથી નીચેના વિચારો પણ ક૨વા પડયા.

"આપણને તો અંગ્રેજ અને બોઅર બંને સરખા કનડે છે. ટ્રાન્સવાલમાં દુ:ખ છે અને નાતાલ-કેપમાં નથી એવું નથી. જે તફાવત છે તે કેવળ પ્રમાણનો. વળી, આપણે તો ગુલામ જેવી પ્રજા કહેવાઈએ. બોઅર જેવી ખોબા જેટલી કોમ પોતાની હસ્તીને સારુ લડી રહેલી