પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે એમ આપણે જાણીએ છીએ તે છતાં તેનો નાશ થવામાં આપણે નિમિત્તભૂત કેમ થઈએ ? અને છેવટે વ્યવહારદૃષ્ટિએ વિચારતાં બોઅર હારવાના છે એવું કોઈથી કહી શકાય એમ નથી. તેઓ જીતી જાય તો આપણી ઉપર વેર લેવા કેમ ચૂકે ?"

આ દલીલ સખત રીતે મૂકનાર અમારામાં એક સબળ પક્ષ હતો. હું પોતે પણ એ દલીલ સમજી શકયો હતો, તેને જોઈતું વજન પણ આપતો હતો. છતાં મને તે બરોબર ન લાગી, અને મેં એ દલીલના રહસ્યનો જવાબ મારા મનને અને કોમને નીચે પ્રમાણે આપ્યો :

"દક્ષિણ આફ્રિકામાં આપણી હસ્તી કેવળ બ્રિટિશ રૈયત તરીકે જ છે. દરેક અરજીમાં બ્રિટિશ રૈયત તરીકે જ હકો માગેલા છે. બ્રિટિશ રૈયત હોવામાં માન માન્યું છે અથવા માન છે એમ રાજ્યાધિકારીઓને અને જગતને મનાવ્યું છે, રાજ્યાધિકારીઓએ પણ હકોનો બચાવ આપણે બ્રિટિશ રૈયત હોવાથી જ કર્યો છે, અને જે કાંઈ સાચવી શકાયું છે તે બ્રિટિશ રૈયત હોવાથી દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો દુ:ખ આપે તેથી તેમનાં અને આપણાં ઘરબાર જવાનો સમય પણ આવે તે વખતે આપણે અદબ ભીડી પ્રેક્ષક તરીકે તમાશો જોયા કરવો એ આપણા મનુષ્યત્વને ન છાજે એટલું જ નહીં પણ એ દુઃખમાં વધુ દુઃખ વહોરી લેવા બરોબર છે. જે આરોપને આપણે ખોટો માન્યો છે અને ખોટો સાબિત કરવાનો આપણને અનાયાસે અવસર મળ્યો છે, તે અવસરને જતો કરવો એ આપણે હાથે જ આરોપ સાબિત કર્યા બરોબર થશે. અને પછી આપણી ઉપર વધારે દુ:ખ પડે અને અંગ્રેજે વધારે કટાક્ષ કરે એ નવાઈ નહીં કહેવાય. એ તો આપણો દોષ જ ગણાય. અંગ્રેજોના જેટલા આરોપો છે તેને જરાયે પાયો જ નથી – દલીલ કરવા જેવું પણ તેમાં કંઈ નથી એમ કહેવું એ આપણને પોતાને છેતરવા બરાબર થાય. આપણે બ્રિટિશ સલ્તનતમાં ગુલામ જેવા છીએ એ વાત ખરી, પણ અત્યાર સુધીની આપણી વર્તણૂક સલ્તનતમાં રહીને ગુલામી ટાળવાનો પ્રયત્ન કરવાની રહેલી છે. હિંદુસ્તાનના બધા અગ્રેસરો એ જ પ્રમાણે કરે છે. આપણે પણ એમ જ કરી રહ્યા છીએ. અને જો બ્રિટિશ