પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજ્યના ભાગ તરીકે જ આપણી સ્વતંત્રતા અને ઉન્નતિ સાધવા ઈચ્છતા હોઈએ તો એમ કરવાનો, આ વખતે આપણે પણ લડાઈમાં તનમનધનથી મદદ કરવી એ સુવર્ણ અવસર છે. બોઅર પક્ષ એ ન્યાયનો પક્ષ છે એમ તો ઘણે ભાગે કબૂલ કરી શકાય. પણ રાજ્યતંત્રની અંદર રહીને રૈયતવર્ગના પ્રત્યેક જણે પોતે બાંધેલા સ્વતંત્ર વિચાર અમલમાં મુકાતા નથી. રાજ્યાધિકારી જેટલાં પગલાં ભરે છે તે બધાં યોગ્ય જ હોય એમ બનતું નથી, તેમ છતાં જ્યાં સુધી રૈયતવર્ગ અમુક શાસનને કબૂલ કરે ત્યાં સુધી તે શાસનમાં કાર્યોને સામાન્ય રીતે અનુકૂળ થવું અને તેમાં મદદ કરવી એ રૈયતવર્ગનો સ્પષ્ટ ધર્મ છે.

"વળી રૈયતવર્ગમાંનો કોઈ ભાગ ધાર્મિક દષ્ટિએ રાજ્યતંત્રના કોઈ કાર્યને અનીતિમય માને તો તે વખતે તેણે એ કાર્યમાં વિઘ્ન નાખતાં પહેલાં અથવા સહાય દેતાં પહેલાં અનીતિમાંથી બચાવવાનો પ્રયત્ન સંપૂર્ણતાએ અને જીવને જોખમે પણ કરવો જોઈએ. એવું અાપણે કાંઈ કર્યું નથી. એવો ધર્મ આપણી સામે ખડો પણ નથી થયો અને એવા એક સાર્વજનિક અને સંપૂર્ણ કારણને લઈને અાપણે અા લડાઈમાં ભાગ લેવા નથી ઈચ્છતા એવું કોઈએ કહ્યું નથી – માન્યું નથી. તેથી આપણો રૈયત તરીકે સામાન્ય ધર્મ તો એ જ છે કે લડાઈના ગુણદોષનો વિચાર કર્યા વિના લડાઈ થઈ છે તો આપણે યથાશક્તિ મદદ કરવી. છેવટે બોઅર રાજ્યો જીતે – અને તેઓ ન જ જીતે એવું માનવાને કંઈ જ કારણ નથી – તો આપણે ઓલમાંથી નીકળી ચૂલમાં પડીએ અને પછી તો મનમાનતું વેર વાળે એમ કહેવું અથવા માનવું એ બહાદુર બોઅરને અને આપણને અન્યાય કરવા બરોબર છે. એ તો કેવળ આપણી નામર્દાઈની નિશાની ગણાય. એવો ખ્યાલ સરખો કરવો એ વફાદારીને બટ્ટો ગણાય. કોઈ અંગ્રેજ ક્ષણભર પણ એવો વિચાર કરી શકે કે અંગ્રેજ હારે તો તેનું પોતાનું શું થાય ? લડાઈના મેદાનમાં પડનાર કોઈ પણ માણસ પોતાનું મનુષ્યત્વ ખોયા વિના આવી દલીલ કરી જ ન શકે."