પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બધાને 'કુલી' જ ગણે, અપમાનો પણ કરે, તિરસ્કારની નજરે જુએ. એ કેમ સહન થઈ શકે ? અને લશ્કરમાં દાખલ થવાની માગણી કરીએ તો એ માગણી કેવી રીતે સ્વીકારાવવી ? છેવટે અમે બધા એવા નિશ્ચય પર આવ્યા કે સ્વીકારાવવાને સબળ પ્રયત્ન કરવો, મહેનત મહેનતને શીખવશે, ઈચ્છા હશે તો શક્તિ ઈશ્વર આપશે; મળેલું કામ કેમ થશે તેની ચિંતા છોડી દેવી; બને તેટલી તાલીમ લેવી અને એક વખત સેવાધર્મ સ્વીકારવાનો નિશ્ચય કરીએ તો પછી માનઅપમાનનો વિચાર માંડી જ વાળવો, અપમાન થાય તે સહન કરીને પણ સેવા કરી શકીએ.

અમારી માગણીનો સ્વીકાર કરાવવામાં અનહદ મુશ્કેલીઓ આવી. તેનો ઈતિહાસ રસિક છે પણ એ આપવાનું આ સ્થાન નથી; તેથી એટલું જ કહી દઉં છું કે અમારામાંના મુખ્ય માણસોએ ઘવાયેલાઓની અને દરદીઓની સારવાર કરવાની તાલીમ લીધી. અમારી શારીરિક સ્થિતિ વિશે દાકતરોનાં સર્ટિફિકેટ મેળવ્યાં, અને લડાઈમાં જવા માગણી સરકારને મોકલી દીધી. એ કાગળ અને તેની પાછળ રહેલા સ્વીકાર કરવાના આગ્રહની અસર ઘણી સારી થઈ. કાગળના જવાબમાં સરકારે ઉપકાર માન્યો પણ તે વખતે સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો. દરમ્યાન બોઅરોનું બળ વધતું ચાલ્યું. તેમનો ધસારો તો એક મોટી રેલની માફક થયો અને નાતાલની રાજધાની સુધી આવી પહોંચવાનો ભય જણાયો. ઘણા જખમી થયા. અમારો પ્રયત્ન તો જારી જ હતો. છેવટે એમ્બયુલન્સ કોર(ઘવાયેલાઓને ઊંચકનારી અને તેમની સારવાર કરનારી ટુકડી)તરીકે અમારો સ્વીકાર થયો. અમે તો ઈસ્પિતાલોનાં પાયખાનાં સાફ કરવાનું અથવા ઝાડુ દેવાનું કામ પણ સ્વીકારવાનું લખી મોકલ્યું હતું. એટલે ઍમ્બુલન્સ કોર બનાવવાનો સરકારનો વિચાર અમને આવકારલાયક લાગે એમાં શી નવાઈ ? અમારું જે કહેણ હતું તે સ્વતંત્ર અને ગિરમીટમુક્ત હિંદીઓ વિશે હતું. અમે તો સૂચના કરી હતી કે ગિરમીટિયાઓને પણ આમાં દાખલ કરવા એ ઈચ્છવા જેવું છે. એ વખતે તો સરકારને જેટલા મળે એટલા માણસો જોઈતા હતા. તેથી બધી કોઠીઓમાં પણ નિમંત્રણ મોકલેલાં. પરિણામે લગભગ ૧૧૦ હિંદીઓની શોભીતી વિશાળ ટુકડી ડરબનથી