લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રવાના થઈ. તે રવાના થતાં મિ. એસ્કંબ જેનું નામ વાંચનાર જાણે છે અને જે નાતાલના ગોરા સ્વયંસેવકોના ઉપરી હતા તેણે અમને ધન્યવાદ અને આશીર્વાદ આપ્યા !

અંગ્રેજી અખબારોને આ બધું ચમત્કાર જેવું જ લાગ્યું. હિંદી કોમ લડાઈમાં કંઈ પણ ભાગ લે એવી આશા ન જ હતી. એક અંગ્રેજે ત્યાંના મુખ્ય અખબારમાં એક સ્તુતિકાવ્ય લખ્યું, તેની ટેકની એક લીટીનો અર્થ આવો છે : 'આખરે તો આપણે બધા એક જ રાજ્યના બાળ છીએ.'

આ ટુકડીમાં લગભગ ૩૦૦થી ૪૦૦ ગિરમીટમુક્ત હિંદીઓ હશે કે જે સ્વતંત્ર હિંદીઓની હિલચાલથી એકઠા થયેલા. તેમાં સાડત્રીસ જણ અાગેવાન તરીકે ગણાતા હતા. કેમ કે એ લોકોની સહીથી સરકારને કહેણ ગયેલું, અને બીજાઓને એકઠા કરનારા એ હતા. આગેવાનોમાં બેરિસ્ટર, મહેતાઓ વગેરે હતા. બાકીનામાં કારીગર – જેવા કે કડિયા, સુતાર, મજૂરવર્ગ વગેરે – હતા. આમાં હિંદુ, મુસલમાન, મદ્રાસી, ઉત્તરના હિંદી એમ બધા વર્ગના હતા.. વેપારીવર્ગમાંથી કોઈ જ નહીં એમ કહી શકાય. પણ વેપારીઓએ પૈસાનો ફાળો સારો આપ્યો હતો.

આવડી ટુકડીને ફોજી ભથ્થું મળે તેના ઉપરાંત બીજી હાજતો હોય છે અને તે પૂરી પડી શકે તો તેથી એ કઠણ જિંદગીમાં કંઈક રાહત મળે છે. એવી રાહતજોગી વસ્તુઓ પૂરી પાડવાનું વેપારીવર્ગે માથે લીધેલું, અને તેની સાથે જે ઘવાયેલાની અમારે સારવાર કરવી પડે તેઓને સારુ પણ મીઠાઈ, બીડી વગેરે આપવામાં પણ તેઓએ સારી મદદ કરેલી. વળી જ્યાં જ્યાં શહેરોની પાસે અમારો મુકામ થતો ત્યાં ત્યાં વેપારીવર્ગ આવા પ્રકારની મદદ કરવામાં પૂરો ભાગ લેતો હતો.

ગિરમીટિયા જે આ ટુકડીમાં આવ્યા હતા તેઓને સારુ તે તે કોઠીમાંથી અંગ્રેજ સરદારો મોકલવામાં આવ્યા હતા, પણ કામ તો બધાને એક જ હતું. બધાને સાથે જ રહેવાનું હતું. તેથી આ ગિરમીટિયા અમને જોઈને ખૂબ રાજી થઈ ગયા અને એક આખી ટુકડીની વ્યવસ્થા સહેજે અમારા હાથમાં જ આવી પડી. તેથી