પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે આખી ટુકડી હિંદી કોમની જ ગણાઈ અને તેના કામનો યશ કોમને જ મળ્યો. ખરું જોતાં ગિરમીટિયાઓનું તેમાં દાખલ થવું એનો યશ કોમ ન જ લઈ શકે, તેનો યશ તો કોઠીવાળાઓ જ લે. પણ એટલું ખરું કે એ ટુકડી બંધાઈ ગયા પછી તેની સુવ્યવસ્થાનો યશ તો સ્વતંત્ર હિંદીઓ જ એટલે કોમ જ લઈ શકે અને તેનો સ્વીકાર જનરલ બુલરે પોતાનાં લખાણોમાં (ડિસ્પેચમાં) કરેલો છે. અમને દરદીઓની સારવારની તાલીમ આપનાર ડોક્ટર બૂથ પણ અમારી ટુકડીની સાથે હતા. એ ભલા પાદરી હતા અને હિંદી ખ્રિસ્તીઓમાં કામ કરતા પણ બધાની સાથે ભળી જતા. અને ઉપર સાડત્રીસ નામો મેં ગણાવ્યાં તેમાં ઘણા આ ભલા પાદરીના શિષ્યો હતા. જેવી હિંદી ટુકડી બની હતી તેવી જ યુરોપિયનોની ટુકડી પણ બનાવવામાં આવી હતી, અને બંનેને એક જ જગાએ કામ કરવાનુ હતું.

અમારું કહેણ બિનશરતી હતું, પણ સ્વીકારપત્રમાં એમ જણાવવામાં આવ્યું હતું કે અમારે તોપ કે બંદૂકના ધાની હદની અંદર કામ કરવાનું ન હતું, એનો અર્થ એ થયો કે લડાઈના ક્ષેત્રમાં જે સિપાઈ ઘવાય તેને ફોજની સાથે રહનારી સારવાર કરનારી કાયમી ટુકડી ઉપાડી જાય અને લશ્કરની પછાડી મૂકે. ગોરાની અને અમારી તાત્કાલિક ટુકડીઓ તૈયાર કરવાનો સબબ એ હતો કે લેડીસ્મિથમાં ઘેરાઈ રહેલા જનરલ વ્હાઈટને છોડાવવાનો મહાપ્રયત્ન જનરલ બુલર કરવાના હતા અને તેમાં કાયમી ટુકડી પહોંચી વળે તેના કરતાં ઘણા વધારે જખમી થવાની તેને ધાસ્તી હતી. લડાઈ એવા મુલકમાં ચાલી રહી હતી કે જ્યાં રણક્ષેત્ર અને મથકની વચ્ચે પાકા રસ્તાઓ પણ નહીં. તેથી ઘોડાગાડી વગેરે વાહનોથી ઘવાયેલા માણસોને લઈ જવાનું અશક્ય. મથક હંમેશ કોઈ પણ રેલવે સ્ટેશનની પાસે રાખેલું હોય અને તે રણક્ષેત્રથી સાત આઠ માઈલથી પચીસ માઈલ સુધી પણ દૂર હોય.

અમને કામ કરવાનું તુરત જ મળ્યું અને તે ધાર્યા કરતાં સખત. સાત આઠ માઈલ સુધી જખમીઓને ઉપાડી જવા એ તો સહજ હતું. પણ પચીસ માઈલ સુધી અને તે પણ ભયંકર જખમ ખાધેલા