પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયું છે. સાડત્રીસ આગેવાનોને લડાઈના ચાંદ પણ આપવામાં આવ્યા હતા.

લેડીસ્મિથને છોડાવવાનો જનરલ બુલરનો આ હુમલો પૂરો થતાં એટલે બે મહિના દરમિયાન અમારી ટુકડી તેમ જ ગોરાની ટુકડીને રજા આપવામાં આવી હતી. લડાઈ તો ત્યાર પછી બહુ લાંબી ચાલી. અમે તો સદાયે ફરી જોડાવા તૈયાર હતા અને વિખેરવાના હુકમની સાથે કહેવામાં આવ્યું હતું કે વળી પાછી જો એવી જબરી હિલચાલ ઉપાડવામાં આવશે તો સરકાર અમારો ઉપયોગ જરૂર કરશે. દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ લડાઈમાં આપેલો આ હિસ્સો પ્રમાણમાં નજીવો ગણાય. જાતનું જોખમ તો કંઈ જ નહીં એમ કહીએ તો ચાલે. એમ છતાં શુદ્ધ ઈચ્છાની અસર થયા વિના તો રહેતી જ નથી. વળી જયારે એવી ઈચ્છાની કોઈએ આશા ન રાખી હોય તે વખતે તેનો અનુભવ થાય ત્યારે તો તેની કિંમત બેવડી અંકાય છે. હિંદીઓને વિશે એવી સુવાસ લડાઈ ચાલતી હતી તે દરમ્યાન રહી.

આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં એક જાણવાજોગ કિસ્સો મારે નોંધવો જોઈએ. લેડીસ્મિથના ઘેરાયેલા માણસોમાં અંગ્રેજો તેમ જ ત્યાં વસનારા છૂટાછવાયા હિંદીઓ પણ હતા. તેમાં વેપારીવર્ગ તેમ જ ગિરમીટિયા, રેલવેમાં કામ કરનારા અથવા ગોરા ગૃહસ્થોને ત્યાં નોકર તરીકે રહનારા પણ હતા. તેમાંનો એક ગિરમીટિયો નામે પરભુસિંગ હતો. ઘેરાયેલા માણસોમાં સૌને કંઈ કંઈ ફરજ તો ઉપરી અમલદાર સોંપે જ. ઘણું જ જોખમવાળું અને તેટલું જ કીમતી કામ 'કુલી'માં ખપતા પરભુસિંગને હસ્તક હતું. લેડીસ્મિથની નજીક ટેકરી ઉપર બોઅર લોકોની પોમ્ પોમ્ નામની તોપ હતી. તેના ગોળાથી ઘણાં મકાનોનો નાશ થયો અને કેટલાક જાનથી પણ ગયા. તોપમાંથી ગોળો છૂટે અને દૂરના નિશાન સુધી પહોંચે તેમાં એક બે મિનિટ તો અવશ્ય જાય. જો એટલી મુદતની સાવચેતી ઘેરાયેલાને મળે તો ગોળો આવી પહોંચે તેના પહેલાં તેઓ કંઈ ને કંઈ ઓથ નીચે જાય, અને પોતાનો જીવ બચાવે. પરભુસિંગને એક ઝાડ તળે બેસવાનું હતું. તોપ શરૂ થાય અને ચાલ્યા કરે ત્યાં સુધી તે બેસતો. તેણે તોપવાળા