પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ટેકરા તરફ જોયા જ કરવું, અને જેવો એ ભડકો જુએ કે તરત ટોકરો વગાડવો. તે સાંભળીને જેમ બિલાડીને જોઈને ઉંદર પોતાના દરમાં ઘૂસી જાય તેમ જીવલેણ ગોળો આવવાની સાવધાનીનો ધંટ વાગતાં જ શહેરીઓ પોતપોતાની ઓથમાં છુપાઈ જાય અને જાન બચાવે.

પરભુસિંગની આ અમૂલ્ય સેવાની તારીફ કરતાં લેડીસ્મિથના અમલદાર જણાવે છે કે પરભુસિંગે એવી નિષ્ઠાથી કામ કરેલું કે એક પણ વખત ઘંટ વગાડતાં એ ચૂકયો નથી. એટલું ઉમેરવાની ભાગ્યે જ જરૂર હોય કે પરભુસિંગને પોતાને તો હંમેશાં જોખમમાં જ રહેવાનું હતું. આ વાત નાતાલમાં પ્રગટ થઈ એટલું જ નહીં પણ લોર્ડ કર્ઝનને કાને પણ પહોંચી. તેમણે પરભુસિંગને ભેટ કરવા એક કાશ્મીરી ઝભ્ભો મોકલાવ્યો અને નાતાલની સરકારને જણાવ્યું કે જેટલી જાહેર રીતે બની શકે તેટલી જાહેર રીતે કારણ દર્શાવીને પરભુસિંગને તે ભેટ કરવો. એ કામ ડરબનના મેયરને સોંપવામાં આવ્યું હતું. અને ડરબનના ટાઉન હૉલમાં કાઉન્સિલ ચેમ્બરમાં જાહેર સભા ભરી એ ભેટ આપવામાં આવી હતી. આ દૃષ્ટાંત આપણને બે વસ્તુ શીખવે છે : એક તો કોઈ પણ મનુષ્યને હલકો કે નજીવો ન ગણવો, બીજું, ગમે તેવો ભીરુ માણસ હોય એ પણ અવસર આવ્યે વીર બની શકે છે.


૧૦. લડાઈ પછી

લડાઈનો મુખ્ય ભાગ ૧૯૦૦ની સાલમાં પૂરો થયો. મધ્યમાં લેડીસ્મિથ, કિંબરલી અને મેકેકિંગનો છુટકારો થઈ ગયો હતો. જનરલ ક્રૉન્જ હારી ચૂકયા હતા. બોઅરોએ જીતેલો બ્રિટિશ સંસ્થાનોનો બધો ભાગ સલ્તનતને હસ્તક પાછો આવી ચૂકયો હતો. હવે બાકી હતું તે વાનર યુદ્ધ (ગેરીલા વોરફેર) હતું, ટ્રાન્સવાલ અને ઓરેંજ ફ્રી સ્ટેટનો પણ કબજો લૉર્ડ કિચનરે મેળવી લીધો હતો.