પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગળા નીચે ઉતાર્યો. પછી પોતાના સાથીની સાથે, ભાખોડિયાંભર ચાલીને એ ઊંચી ટેકરીની આડશ પાછળ ચડી. ત્યાંથી ખાણ દેખાતી હતી. માટી પીસવાના, ધાતુ ઓગાળવાના વગેરે અનેક બુલંદ સંચાઓ – પોતાનાં અને ભાઈનાં જ નાણાં વડે ખરીદેલી આખી યંત્રમાળા – તમામ આંહીં છુપાવી રાખેલાં : અને સો-બસો ગધેડાં ઉપર વજનદાર છાલકાં લદાઈ રહેલાં છે.

એકાએક એ ચમકી ઊઠી. જીવનનો સાથી ઠરાવીને જેને ખોળે પોતે માથું મૂક્યું હતું તેને એણે નજરોનજર ત્યાં હુકમો દેતો જોયો. એ એક જ ક્ષણમાં એનો કૌમારપ્રેમ પલટીને સળગતો ધિક્કાર બની બેઠો. ને એ ધિક્કારના અગ્નિકુંડમાંથી એક ચંડિક પ્રગટ થઈ. પણ ના, આમ છેટેથી હું એને પડકાર્યા વગર નહીં મારું : પહેલાં પ્રથમ તો એ વિશ્વાસઘાતીને શિકસ્ત આપી, એની પાસેથી રૂપું સેરવી લેવું છે, અને પછી સામી છાતીએ ખડા રહીને એની જિંદગી લેવી છે.

ભોમિયાને ઇશારત કરીને એ ભાખોડિયાંભર પાછી વળી ગઈ. સમજાવ્યું: “ભાઈ, આપણે ગધેડાંનો પીછો લઈએ. તું મને મદદ કરીશ તો હું તને બદલો આપીશ.”

“હું બરાબર મદદ કરીશ તમને, બાઈસાહેબ ! મારે પણ એક દાગ ધોઈ નાખવાનો છે.”

એને ધોવાનો દાગ શો હશે ! કારમન એ વાત પૂછવા ન થોભી. એણે ગધેડાંની કતાર ઊપડતી દીઠી. સાથે પાંચ જ ચોકિયાત હતા. પછવાડે દૂર દૂર ઘોડાં ચલાવતાં એ બન્ને પણ ગધેડાંની હારને મુકામે જવા ચાલ્યાં આવે છે. આખરે ગધેડાં એક ઊંડી ખીણમાં ઊતરે છે. કારમન અને ભોમિયો ઘોડાં બાંધી દઈને લપાતાં લપાતાં એક ઊંચી આડશે ચડે છે. ત્યાંથી અનેક ભોંયરાંવાળી ગાળી નજરે પડે છે. ગધેડાં પરનાં છાલકાં ત્યાં ઠલવાય છે. ઠલવાતા માલનો ઠણકાર થાય છે. રૂપાની પાટો આંહીં ભરાય છે !

અને કદાચ રેલની માલગાડી ભરવા જેટલો માલ જમા થઈ જશે એટલે પિયુજી એને ઉઠાવી જશે શહેરમાં ! આ તો લાગે છે હંગામી સંગ્રહસ્થાન.

ફિકર નહિ. તાબડતોબ હું ભાઈની પાસે પહોંચું, અને ‘પિયુજી મારા’ને પેલી ઓરતની મારી સાથેની વાતની ખબર પડે તે પહેલાં જ હું આ સાચી ખાણ ઉપર અને પાટોના પર જપ્તી બેસડાવું.

કમનસીબીની કથા, કે કારમનને સત્તાવાળાઓ પાસે જઈ આ બાતમી દેવાનું ન સૂઝ્યું. નહિ તો આખું ભાવિ પલટાઈ ગયું હોત. પણ પોતાના પ્યારના વિશ્વાસઘાતી ઉપર એના હૈયાનો હુતાશન એવો ઉગ્ર ભડકે સળગી ઊઠ્યો હતો, પોતાની નિર્દોષતાને રોળનાર સામે એના હૃદય - રાફડાનો ભુજંગ એવા તો કાળથી ફેણ પછાડી રહ્યો હતો કે કુમારિકા કારમને બીજું કશું જ ન સૂઝ્યું. એને તો ખુદ પોતાના જ હાથ ઠારવા હતા. જે ઘડીએ એણે પોતાની સામે પેલી ફસાયેલી ઓરતને દીઠી હતી, તે ઘડીથી જ કારમનના કલેવરમાં એક નવીન ભૂતાવળે વાસ લીધો હતો, જાણે કોઈ શતધારે વહેતો જળપ્રવાહ એકાએક હિમ પડતાં થીજીને કોઈ પાષાણી પ્રતિમા બની ગયેલો છે, ને એ પ્રતિમાના હોઠ પર ધિક્કાર અને વેદનાનું બનેલું કરડું હાસ્ય કોતરાઈ ગયું છે. ઓસરી ગઈ, એના અંતરમાં દરરોજ જાગતી. ઈશ્વરપ્રાર્થના ઓસરી ગઈ, આશ્રમની મીઠાબોલી સાધ્વીઓએ ભણાવેલાં સૂત્રો પરથી એની આસ્થા પણ ઊડી ગઈ. કોઈ ભુલાઈભૂંસાઈ ગયેલા પ્રાચીન પૂર્વજનો હિંસામય પ્રાણ કે

કુમારી કારમન
423