પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાજુ ધકેલીને, અંદર ખબર કહાવવાની વાટ જોયા વિના સાથીની સાથે એ ઘરમાં ચાલી આવી. અંદરના એક શયનખંડમાંથી તીણી ચીસો અને કોપાયમાન અવાજો સંભળાયા. કારમન ત્યાં જઈ ઊભી રહી. જુએ છે તો કોઈ લાંબા લાંબા પંથની ઘોડેસવારી પરથી હજુ હમણાં જ આવી પહોંચોલો ડૉન મેન્યુઅલ પગમાં બૂટ અને બૂટ પરની એડી પણ, ઉતાર્યા વિનાનો રજેભર્યો ઊભો છે : હાથમાં એક કોરડો છે . સામે ધરતી પર પટકાયેલી, એક ઓરત પડી છે, ઓરતના ચહેરા ઉપર અને હાથ ઉપર લાલ લોહીના ટશિયા આવેલા છે. એ જ પેલી ઓરત.

“જુઆન, તું બહાર ઊભો રહેજે !” એવો હુકમ દઈને પોતાના સાથીને દૂર રાખતી. કારમન નજીક આવી. પિયુજીએ અચાનક પોતાની માશુકને જોતાં જ તેના તરફ વળી, હોઠ પર એક કુટિલ હાસ્ય નચાવતાં નચાવતાં, અરધા ઝંખવાણા પડી જઈને કહ્યું : “ઓહો : તું આવી પહોંચી ને ક્વેરીડા ! બહુ સારું થયું. નહિતર મારે તને તેડવા આવવું પડત, હમણાં જ આવતો હતો. જો પ્યાર ! આ ઓરત મને કહે છે કે એણે તારી પાસે પોતાને મારી, પરણેતર તરીકેની ઓળખાણ દીધી છે. નારાતાળ જૂઠાણું !”

“મને પણ એ જુઠ્ઠાણું જ લાગેલું હતું, વહાલા !” કારમન સુંવાળા મધુઝરતા અવાજે બોલી : “કારણ, હું તો જાણું જ છું કે ઠગાઈ રમવાનું તો તમારું ગજું જ નથી. ખરું કે નહિ ?”

તાજુબ બનીને મેન્યુઅલ એ કુમારિકાની સામે તાકી રહ્યો. ચાબુકને એણે પડતો મેલ્યો. એના દેહમાં જાણે નવું દિવેલ પુરાયું. એણે તો ધારણા રાખેલી કે ધિક્કાર અને શાપોની અંગાર-ઝડી વરસવાની, તેને બદલે, ઓહો ! આવા વિશ્વાસના શબ્દો : ત્યારે તો એ ભોળુડી છોકરી હજુય મને ચાહી રહી છે. ત્યારે તો ફિકર નહિ. ફૂલ સમું મોં મલકાવીને એણે પોતાની મૂછોને જરીક વળ ચડાવ્યો. કહ્યું: “સાચેસાચ પ્રિય ! હું તને કદાપિ ન છેતરું. તારી સાથે વિશ્વાસઘાત રમતાં પહેલાં તો ઈશ્વર આ પ્રાણ-દોરી ખેંચી લે એ જ માગું છું હું તો. પરંતુ તેં આજે ઘોડેસવારીનો પોશાક કાં પહેર્યો, કારમન? અને તું કેમ આજે આટલી બધી ઝાંખી છે? તારા મોં પર નૂરનો છાંટો કાં ન મળે ?”

“ના, ના, એ તો હું આજે જરા થાકેલી છું. હું તમને શોધવા ખાણ પર ગયેલી. ત્યાં પણ મને એ જ જોઈને આનંદ ઊપજ્યો કે તમે જે બધું કહેતા હતા તે જરીકે જૂઠું નહોતું. ગજબ સરસ છે હો એ રૂપા-ખાણ – કલા ‘વેબ્રાન્સદા’વાળી ખાણ.”

મેન્યુઅલ પામી ગયો. નવી ખાણ જોઈ આવી આ તો ! એનો દેહ ટટ્ટાર બન્યો. એનો પંજો આપોઆપ કમરબંધ પર ગયો. એની આંખો ચમકવા લાગી. પછી એ હસી પડ્યો : “હા – હા – હા – હા ! એ તો એવું બન્યું કે પેલી તમને દેખાડેલી તે ખાણ તો ખોટી નીકળી પડી, અને પછી આ કલા ‘વેબ્રાન્તદા'ની ખાણ અમે શોધી કાઢી. મારે તો તને એક ઓચિંતાની વધામણી આપવી હતી માટે મેં છૂપું રાખેલું. હવે તો મને આશા છે કે ટૂંક વખતમાં જ અમે ધાતુ ગાળવા માંડશું.”

“ઓહો, ટૂંક વખતમાં જ !” કારમને અચંબો પ્રગટ કર્યો : “ઓહ ! પણ જુઓને વહાલા, તમે તો ક્યારનુંયે ઘણુંઘણું રૂપું સંઘરાવેલું છે, ખરું ને ? ને હું આજે જ એનો કબજો લેવા માણસો મોકલું છું. બેશક, તમે તો એ વાતને પણ ઓચિંતી વધામણી માટે જ છુપાવી રાખી હશે, કેમ કે બૅન્કનાં જે નાણાં આપણે ઉપાડ્યાં તે ભરી દેવામાં અમને સહાય

કુમારી કારમને
425