પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દ્વારપાળ બેઠોબેઠો મોં મલકાવતો હતો. શેરી સુનકાર હતી. કોઈએ ગોળીબાર સાંભળ્યા જણાતા નહોતા.

ઘેર પહોંચીને કારમને ભાઈના શબની સામે એકાંતે થોડી ઘડીઓ ગાળી. એની નસો ઉપર અત્યાર સુધી કસકસાવીને કાબૂ રાખી રહેલી એ કિન્નાની લાગણી હવે વૈર ભરપાઈ થઈ ગયાથી ઢીલી પડી ગઈ, એનું હૃદય પાછું પોચું પડીને વહાલા વીરના શોકે ચિરાવા લાગ્યું. કેટલીયે વાર સુધી એ ભાઈના શરીર પર માથું ઢાળીને ધ્રુસકે-ધ્રુસકે રડી. પણ પછવાડે મોતની પડઘીઓ ગાજી રહી છે. હજુ તો પોતાની બદનામી થતી અટકાવવી બાકી છે. આંસુ સારવા બેસતાં કર્તવ્ય હારી બેસાશે.

ખળભળેલી ઊર્મિઓને કેમ જાણે ગાંસડીમાં બાંધતી હોય તે રીતે બહેન ખડી થઈ ગઈ. આંખો લૂછી નાખી, ભાઈની દફનક્રિયાની સૂચના દીધી, બીજી બધી ભરભળામણ કરી. ઘરમાં રોકડ પૈસા પડ્યા હતા તે લીધા અને જુઆનની સાથે એ સાંટીઆગોની ડુંગરગાળીમાં ઊતરી પડી.

[5]

“ભાઈ જુઆન !” એણે સાથીને કહ્યું : “પહાડમાંથી પચાસ જણને ભેગા કરી લઈએ. રૂપા-ખાણ ઉપર આપણે હલ્લો લઈ જવો છે. આપણને સાથ આપનારને એ રૂપામાંથી ભાગ દેશું.”

પહાડી જવાંમર્દો જોતજોતામાં તો આ સુંદરીના નેજા નીચે ખડા થઈ ગયા.

“જુઓ ભાઈઓ !” તમામને એણે કહી દીધું : “જો, આમાંથી રાજ આપણો પીછો લેશે, તો આપણે ક્યાં જવું છે, જાણો છો ? મૅક્સિકોના રાજાની સામે દંગો ઉઠાવનાર બળવાખોર વીર જનરલ ઝીમેનેઝને આશરે. એની ફોજમાં આપણે ભળી જશું. માટે સહુએ ખડિયામાં ખાંપણ લઈને નીકળવાનું છે, સમજ્યા ?”

“ખુશીની સાથે.” એમ કબૂલ કરીને સૌ પહાડી લડવૈયા આ જવાંમર્દ સુંદરીના ઘોડાની પાછળ ચાલી નીકળ્યા. એ દગલબાજની રૂપા-ખાણ ઉપર અચાનક તૂટી પડ્યા. ખાણની નાકાબંધી કરીને કબજો લીધો. ખાણિયાઓને કહ્યું કે “મારી માલિકી નીચે તમારે સૌને કામ કરવું હોય તો તમને ચાલુ રોજી ચૂકવવામાં આવશે.”

ઘણાખરાએ તો આ નવા માલિકને રાજીખુશીથી સ્વીકારી લીધી. કારમને પોતાના કૉલ પ્રમાણે સૌથી પ્રથમ તો પોતાના સાથીઓની વચ્ચે થોડુંક રૂપું વહેંચી આપ્યું અને પછી બાકીની પાટોનો જથ્થો રેલવે સ્ટેશન પર ઊપડાવી જઈ બૅન્ક ઉપર રવાના કરાવ્યો.

બૅન્ક ઉપર એણે કાગળ લખ્યો તેમાં સમજ પાડી કે આ રૂપું ભરીને હું મારા ભાઈએ વિશ્વાસઘાતીને ધિરાવેલાં નાણાં ચૂકવી આપું છું. ભાઈની કારકિર્દી પરનું એ કાળું કલંક આ રીતે ઉખેડી નાખવા સારુ જ મેં આ દારુણ પંથ સ્વીકાર્યો છે.

પહેલો જથ્થો જ એ આખી રકમની ભરપાઈ માટે પૂરતો થઈ પડ્યો. ત્યાં તો રાજને આ જાણ થઈ. પોલીસને દફતરે તો કારમન બહારવટિયણ જાહેર થઈ ચૂકી. મરનાર વિશ્વાસઘાતીના મસ્તક પર ભલે અનેક ભયાનક તહોમતો તોળાઈ રહ્યાં હતાં, તે છતાં કાયદો હાથમાં લેવાની સત્તા કોઈ પ્રજાજનને નથી. કાયદાની દૃષ્ટિમાં કારમન ખૂનની તહોમતદાર હતી. એને પકડવાના આદેશો છૂટ્યા. એને ઝાલનાર માટે મોટું ઇનામ જાહેર થયું.

કુમારી કારમન
427