પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તો લોકો હસવા લાગ્યા. ચોરે-ચૌટે, પીઠામાં ને હોટેલોમાં બસ ઠઠેઠઠ ભરાઈને ખડખડાટ દાંત કાઢવા લાગ્યા કે, “આ દાઢીમૂછના બસો-ચારસો ધણી કારતૂસના પટ્ટા ખભે નાખીને દિવસ-રાત પાટકી રહ્યા છે, એ સૌને પેલી ગોઠણ જેટલી છોકરી ભારે પડી ગઈ. બંગડી, પહેરી લ્યો હવે ભાઈ, બંગડી ! બંદૂકું ઝાલનારા હાથ તો બીજા.”

આ ઠેકડી અને આ કટાક્ષોથી તપી જઈને રાજના સત્તાવાળાઓએ બેવડી દાઝે પલટનો ઉપર પલટનો દોડાવવા માંડી. ડુંગરે ડુંગરા ખૂંદાવી મૂક્યા. પણ કારમન ક્યાંથી ઝપાટે આવે ? કારમન તો સંતાકૂકડી રમતી હતી.

એનું એ રૂપાપાટોથી લાદેલું લંગર તગડીને કારમન ઊંડી ગીરમાં ગાયબ બની ગઈ. પહોંચી છેક રાજદ્વારી ફિતૂર-સરદાર ઝીમેનેઝની પાસે ત્યાં જઈને સરદારની સેવામાં એણે એ રૂપું અને પોતાની ફોજ અર્પણ કરી દીધાં.

“મારો બહાદરિયો બચ્ચો કારમન આજ મારા ભેળો ભળે છે એ તો મારે મન મોટી વધાઈની વાત.” એમ કહીને સરદારે એની ટુકડીને પોતાના સૈન્યમાં અપનાવી લીધી. એ પછી તો બહારવટિયણે રાજની ગિસ્તો સામે કંઈ કંઈ ધિંગાણાં ખેલ્યાં. એની સરદારીવાળી ટુકડી જ્યાં જ્યાં તૂટી પડી. ત્યાં ત્યાં નેજાની ફતેહ વર્તાવી. શત્રુઓ પણ આ ઓરતનાં ઊજળાં વીરત્વ નિહાળીને હેરત પામી ગયા. એક વાર જેવી મસ્તીથી એ પ્યારને રંગે ચડી હતી તેવી જ મસ્તી એણે આ મયદાને જંગોમાં જમાવી દીધી, જાણે કે જીવતરમાં એ લહેરથી રમતી હતી - નાનપણમાં સાધ્વીઓને ખોળે કૌમારની રમતો રમી, જોબનની કળી બેઠી ત્યારે વિશ્વાસે પાંખડીઓ ઉઘાડીને હૈયાની વચ્ચોવચ પિયુપ્રેમના ભમરાને લોટવા, ગુંજવા અને મધુ ચાખવા દીધો. આજ એ કળી કરમાઈ ગઈ છે. પાંખડીઓ ખરી પડી છે, અને પ્યારને કંઠે બાથ લેનાર ભુજાઓએ મર્દોનાં માથાં સાથે શોણિતના ફૂલદડા ખેલવા માંડેલ છે.

[6]

લોકોએ તો કંઈ કંઈ વીરકથાઓ આ પ્યારી બહારવટિયણના નામે સંઘરવા માંડી. સૌના મનમાં એક જ વાત હતી કે એક પુરૂષની બેઈમાનીના ઘાએ એના કલેજાના છૂંદા કરી નાખેલા છે. એ કલેજામાંથી મર્દ જાત પ્રત્યે ધિક્કાર અને વૈર જ પુકારી રહેલાં છે. કારમનનો પંજો જ્યાં પડે છે ત્યાં આવો કારમો પડે છે તેનું ખરું કારણ પણ એ જ છે કે એણે પુરુષની બેવફાઈનો વૈર-કટોરો પીધો છે. એટલે જ આવું માની બેઠેલાં લોકો એક દિવસ અજાયબીમાં ગરક બની ગયાં. પીઠાં અને મયખાનાં એક ન મનાય તેવી વાતનો ગુંજારવ કરી ઊઠ્યાં : ‘બેટી કારમન તો પ્યારના પિંજરમાં પુરાઈ છે. પહાડોમાં એને દિલોજાન સાંપડ્યો છે.’

કોણ હતો એ કાળકાનું દિલ જીતનારો ?

એ હતો એક સાહસઘેલડો મરણિયો અંગ્રેજ બચ્યો : નામે જૅક હાર્લી. આઠેય પહોર જેનાં ધડ ઉપર માથાં ડગમગી રહ્યાં હોય, જેને પથારીમાં પડીને મરવાનું કડવું ઝેર થઈ પડ્યું હોય, જિંદગીને બસ એક જુગારીના તૉરથી સાહસો ઉપર જ નિસાર કરી દેવાના જેને મનોરથ હોય, એવાં માનવીઓ માંહેલો આ એક મસ્ત અને ડોલરિયો માનવી બીજા કશાને ખાતર નહિ પણ કેવળ મૃત્યુની મૉજ લૂંટવાને ખાતર આરીઝોના પ્રાંતની સરહદ

કુમારી કારમન
429