પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઓળંગીને બીજા કેટલાક દોસ્તોની સંગાથે આવી સરદાર ઝીમેનેઝના ફિતૂર-સૈન્યની અંદર ચાકરીએ નોંધાયો હતો.

એવા એ નિષ્કપટી, જંગબહાદુર અને ડોલરિયા જુવાનની હસતી અને આસમાની આંખડીઓએ અને ભોળા શિશુ જેવી મસ્ત નાદાનીને કારમનનું કરાલ હૈયું જીતી લીધું. આ સાચુકલા પિયુને એણે કોઈ શીતળ છાંયડાના છાકમછોળ શહેરી અમન-ચમનમાં નહિ, પણ મૉતની મહેફ્લિોમાં, ઘોર ધિંગાણામાં પારખ્યો હતો. ખડખડાટ હસતો એ જુવાન શત્રુઓની ગોળીઓના મેહુલામાં સ્નાન કરવા ખાબકી પડતો અને રણકલ્લોલ મચાવતો. કટોકટીની ઘડીમાં પણ એની આસમાની આંખોના મલકાટ અને તોફાની ખડખડ અટ્ટહાસ કરમાયાં નહોતાં, એવા રંગીલા વીરની મોહિનીએ કારમનના લોખંડી શૌર્યકવચની નીચેથી પોઢી ગયેલા પ્રેમને ફરી જાગ્રત કર્યો. બેઉ જણાં આંકડા ભીડીને મૃત્યુની રક્તલીલા માણવા નીકળતાં. રાજ-ફોજોના ગોળી-ટંકારનું સંગીત બેઉ સંગાથે સાંભળતાં. ‘મરીએ તો બસ આ રીતે આંકડા ભીડીને જ મરીએ !’ એવા એ બન્નેના અભિલાષ હતા. સમરાંગણને માંડવડે અને તલવાર-બંદૂકને તોરણે આ જોડલું પરણી ચૂક્યું હતું.

–ને કારમનના અંતરને છૂપે ખૂણે એક આશા ધબકતી હતી : કે વહેલુંમોડું એક દિવસ મારા સરદારનું રાજદ્વારી બહારવટું પાર પડશે, રાજ એની સાથે સુલેહ કરીને સર્વેને માફી આપશે, તે સૌની સાથે મારો પણ છુટકારો થઈ જશે. પછી હું આ ડોલરિયા વીરનરની સાથે ઘર માંડીને મારી આવરદા શાંતિથી પૂરી કરીશ. હું ફરી વાર સમાજનું માનવી બની જઈને મારા આજ સુધીના સંહારનું પ્રાયશ્ચિત્ત કરીશ. પણ એ આશા અસાર નીવડી. રાજસત્તાએ બંડખોરોનાં દળબળને સાફ કરી નાખ્યું. દુનિયાની ગોદમાં પાછા જવાની તમામ આશાને વિસર્જન કરી દઈ કારમને પોતાના પિયુની સહાયથી પોતાનું બહારવટું ચાલુ રાખ્યું. એ બહારવટામાં કદાપિ એણે કોઈ પણ લોકને લૂંટેલા નથી. એણે તો જ્યારે જ્યારે બની શક્યું ત્યારે ત્યારે રાજની જ માલિકીની માલમિલકતો ઉપર ધાડ પાડ્યા કરી. રાજનાં થાણાં અને કોઠારોને આગ લગાવી. રાજનાં લશ્કરો માટે લઈ જવામાં આવતાં ઘોડાં તગડ્યાં. લોકોએ ભાખ્યું કે કારમન એટલે ‘અભય’નો અવતાર. કારમનનું નામ તો કાયરને પણ શૂરાતનનાં પાણી ચડાવતું થઈ ગયું. ‘રણચંડી કારમન ! રણચંડી કારમન !’ એ નામનું રટણ ચાલ્યું.

એનું મૉત પણ એવું જ ભવ્ય, એવું જ કરુણ બની ગયું. એક દિવસ એનો ડોલરિયો પિયુ કોઈ બીજે ધિંગાણે નીકળી ગયો છે. અને કારમને પોતાના કટકને લઈ એક રાતે રાજની એક અશ્વશાળાના મકાનને ઘેરી લીધું. ઇમારતને આગ લગાવી.

પોતે પોતાનો ઘોડો લઈને થોડે છેટે બંદોબસ્ત રાખતી ખડી છે. વિશ્વાસઘાતની ચિતા સળગતી હોય તેવા ભડકા છલંગો મારતા મારતા એ મેડીબંધ ઊંચા મકાનની ચોમેર વીંટળાઈ વળેલા છે. અને બીજી તરફથી બહારવટિયણના સાથીઓ સરકારી ઘોડાંને, ખચ્ચરોને, દુધાળાં જાનવરોને, ઘેટાંબકરાં તમામને તગડી બહાર કાઢી રહેલા છે. એવામાં ઓચિંતી કિકિયારીઓ સંભળાઈ અને બે અનુચરોએ ‘બચાવો ! બચાવો !’ના આર્તનાદ કરતી એક ઓરતને બહારવટિયણની સન્મુખ રજૂ કરી.

“કેમ, શું છે, બાઈ !” કારમને સવાલ કર્યો.

“ઓ કારમન ! ઓ બહાદુર કારમન !” ઓરતે એ બળી રહેલી ઇમારતની મેડીમાં

430
બહારવટિયા-કથાઓ