પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આગના ભડકા વચ્ચે દેખાતાં બે કાળાં બાકોરાં સામે આંગળી બતાવીને કહ્યું “ત્યાં – મેડી પર મારાં બે નાનાં બચ્ચાં રહી ગયાં છે. ઓ કારમન ! ઓ બહેન ! મારાં બે ફૂલને મારા રંકનાં બે રત્નોને બચાવો ! બચાવો !”

કશું જ પૂછવા કે વિચારવા રોકાયા વિના કારમન દોડી ઘોડો પલાણીને દોટાદોટ એ સળગતા મકાન પર પહોંચી ગઈ. છલાંગ મારીને હેઠી ઊતરી. ઘોડાના પલાણ પરથી એક કામળી ઝોંટી લઈને શરીર પર ઓઢી લીધી, ને પછી એ ભડકે વીંટાયેલા, ગોટેગોટ ધુમાડે ગૂંગળાઈ ગયેલા મકાનના બારણાની અંદર એ દોડી ગઈ. કોઈ એને રોકી શક્યું નહિ. નિર્દોષ બાળકોની હાય એને કાને પુકારી રહી હતી. હજારો ભુજંગો છલંગો મારીને ફૂંફાડતા હોય એવી અગ્નિઝાળો એ ઇમારતનાં લાકડાંને સડડડ સ્વરે સળગાવતી હતી, કાટવળો પડું પડું થઈને કડાકા કરતો હતો. એવા એ રૌરવના ડાચામાં કારમને જ્યારે દોટ દીધી, ત્યારે ત્યાં ન હતું કો વિશ્વાસઘાતની વૈર-વસૂલાતનું ધગધગતું ઝનૂન, ન હતી કોઈ આશકના આલિંગનમાં ભીંસાઈ જવાની પ્રણય-વેદના, ન હતી બીજી કોઈ ઉત્તેજના; એ હતી નિજ હાથે થયેલા અન્યાયની નિવારણ-બુદ્ધિ, કદાચ એ જનેતા-પદની તાલાવેલી હશે મરતાં મરતાં કદાચ માતૃત્વ પણ માણી લેવું હશે. કોણ જાણે !

દાખલ થઇ તે થઈ – પાછી કદી કારમન બહાર નીકળી નહિ. ક્યાં સુધી ગઈ, મેડીએ ચડી શકી કે નહિ, બે સુકુમાર બચ્ચાંને આગના પંજામાંથી ઝૂંટવીને પોતાની છાતીએ લીધાં કે નહિ, ચૂમીઓ ચોડી શકી કે નહિ, તેની ખબર કોઈને નથી પડી. એના સાથીઓએ એ બારી ઉપર નિસરણી પણ માંડી હતી. હમણાં બચ્ચાંને બહાર ફેંકીને આપણા હાથમાં ઝિલાવી લેશે : હમણાં એ દયાની દેવી સમી જનનીમૂર્તિ નિસરણીએ પણ દઈને બહાર નીકળી જશે : એવી વાટ જોતા સાથીઓ ઊભા છે. ત્યાં તો –

કડડડ ! ધૂબ ! એવો એક અવાજ – ને આખી ઈમારત તૂટી પડી, એ સળગતું ખંડેર કારમનની પાક આરામગાહ બની ગયું. એના શરીરની અથવા તો એ જેને ઉગારવા ગઈ હતી તે બે નિર્દોષ બાળકોનો – કોઈને પત્તો જ મળ્યો નહિ.

કુમારી કારમન
431